આજથી ભારતીયોના સ્વિસ બૅન્કનાં ખાતાંની વિગતો મળશે

01 September, 2019 01:12 PM IST  |  નવી દિલ્હી

આજથી ભારતીયોના સ્વિસ બૅન્કનાં ખાતાંની વિગતો મળશે

સ્વિસ બૅન્ક

સ્વિટ્ઝરલૅન્ડ સાથેના કરાર મુજબ ઑટોમૅટિક એક્સ્ચેન્જ ઑફ ઇન્ફર્મેશનની જોગવાઈનો આરંભ થતાં સ્વિસ બૅન્કોમાં ભારતીયોનાં ખાતાંની વિગતો ભારતના કરવેરાના સત્તાતંત્રોને આજથી ઉપલબ્ધ થશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)એ આ જોગવાઈના અમલને સરકારની કાળાં નાણાં વિરોધી લડતમાં મહત્ત્વની ઘટના ગણાવતાં જણાવ્યું હતું કે ‘સ્વિસ બૅન્ક સીક્રસી’ના યુગનો સપ્ટેમ્બર મહિનાથી અંત આવશે. નવી જોગવાઈ અમલમાં આવતાં ૨૦૧૮ના વર્ષનાં ભારતીયોનાં ખાતાંની માહિતી આપવામાં આવશે. એમાં એ વર્ષ દરમ્યાન ભારતીય નાગરિકોના બંધ કરવામાં આવેલાં ખાતાંની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો : દર વર્ષે 20 કરોડ લોકો મલેરિયાથી થાય છે પ્રભાવિત, હવે બીમારી રોકશે આ નવી દવા

નવી જોગવાઈના અમલની શરૂઆત પૂર્વે ૨૯-૩૦ ઑગસ્ટના ગાળામાં સ્વિટ્ઝરલૅન્ડની સરકારના કરવેરા વિભાગના નાયબ વડા નિકોલસ મારિયો લુશરના નેતૃત્વમાં સ્વિટ્ઝરલૅન્ડના પ્રતિનિધિ મંડળે કેન્દ્ર સરકારના મહેસૂલ ખાતાના સચિવ એ. બી. પાંડે, સીબીડીટીના ચૅરમૅન પી. સી. મોદી તેમ જ સીબીડીટીના મેમ્બર(લેજિસ્લેશન) અખિલેશ રંજનની મુલાકાત લીધી હતી. એ મુલાકાતમાં કરવેરા સંબંધી માહિતી માગતી વિનંતીઓના આદાન પ્રદાનની ગતિ વધારવાની દૃષ્ટિએ દ્વિપક્ષી વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. ઑફ્ફશોર ટૅક્સ કમ્પ્લાયન્સની બાબતોમાં સહયોગ વૃદ્ધિની પણ ચર્ચા કરવામાં આવી હતી.

new delhi