હાઉડી મોદી : મહેરામણનો જલ્લોષ અને 50000 એનઆરઆઇઓનો થનગનાટ

23 September, 2019 11:55 AM IST  |  હ્યુસ્ટન

હાઉડી મોદી : મહેરામણનો જલ્લોષ અને 50000 એનઆરઆઇઓનો થનગનાટ

અભિવાદન ઝીલતા નરેન્દ્ર મોદી.

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ જનસભામાં અમેરિકામાં વસતા ૫૦,૦૦૦ કરતાં વધુ ભારતીયોનો થનગનાટ સ્થાનિક પ્રસાર માધ્યમોએ નોંધ્યો હતો. અમેરિકામાં સામાન્ય રીતે ફુટબૉલ મૅચ કે બાસ્કેટબૉલ મૅચમાં જનતાનો જે ધસારો અને ઉત્સાહ જોવા મળે છે એવો ઉત્સાહસભર માનવમહેરામણ ગઈ કાલે હ્યુસ્ટનના નૉન રેસિડન્ટ ગુજરાતી (એનઆરજી) સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો.

વડા પ્રધાનના સંબોધન પૂર્વે ભારતીયોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સમુદાયોના ૪૦૦ જેટલા કલાકારોએ ૯૦ મિનિટનો મ્યુઝિક, ડાન્સ અને મલ્ટિ મીડિયા શો રજૂ કર્યો હતો. કલાકારો અને અન્ય સ્થાનિક ભારતીયોએ ભાંગડા, દાંડિયા અને ભરત નાટ્યમની પ્રસ્તુતિ દ્વારા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ઊમટેલા માનવમહેરામણ અને જલ્લોષની અભિવ્યક્તિને કારણે એનઆરજી સ્ટેડિયમની ગઈ કાલની ઘટના ઐતિહાસિક બની ગઈ હતી.

 

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં અમેરિકામાં વસતા ભારતીયોની વિશાળ હાજરી.

નૉન પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન ટૅક્સસ ઇન્ડિયા ફોરમે યોજેલા કાર્યક્રમનું સૂત્ર ‘સ્વપ્નોનું આદાનપ્રદાન અને તેજસ્વી ભાવિ’ હતું. કાર્યક્રમમાં અમેરિકાના વિકાસમાં ભારતીયોના પ્રદાન તેમ જ ભારત અને અમેરિકાની નક્કર અને લાંબા ગાળાની સહભાગિતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : હ્યુસ્ટનના મેયરે મોદીને જમ્બો ચાવી આપી

નરેન્દ્ર મોદીનું ઉષ્માસભર સ્વાગત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને સંબોધવા પહોંચ્યા ત્યારે જનસમુદાયે આનંદના ઉદ્ગાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. ભારત અને અમેરિકાના વિશિષ્ટ સંબંધોની અભિવ્યક્તિ માટે ડોનલ્ડ ટ્રમ્પે એ પ્રસંગે હાજરી આપી હતી. હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે હાઉડી મોદી સભાનો મહિમા વર્ણવ્યો હતો. સિલ્વેસ્ટર ટર્નરે જણાવ્યું હતું કે ‘હ્યુસ્ટનમાં હાઉડી મોદી કહેતાં ગર્વ અને માનની લાગણી અનુભવું છું. હ્યુસ્ટન શહેરના વિકાસમાં ભારતીયોની મુખ્ય ભૂમિકા રહી છે.’

narendra modi houston