‘હાઉડી મોદી’માં ટ્રમ્પની હાજરી ખાસ દોસ્તીનો સંકેત: વડા પ્રધાન

17 September, 2019 12:57 PM IST  |  હ્યુસ્ટન

‘હાઉડી મોદી’માં ટ્રમ્પની હાજરી ખાસ દોસ્તીનો સંકેત: વડા પ્રધાન

નરેન્દ્ર મોદી

અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં બાવીસમી સપ્ટેમ્બરે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ રૅલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. જી હા, વાઇટ હાઉસે રવિવારે મોડી રાતે આ વાતની પુષ્ટિ કરી દીધી છે. આ કાર્યક્રમ ઐતિહાસિક હશે, કારણ કે ઇતિહાસમાં પહેલી વખત છે જ્યારે ભારતીય સમુદાયના ૫૦,૦૦૦થી વધુ લોકોને દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશોના નેતા એકસાથે સંબોધિત કરશે. બીજી બાજુ મોદી અને ટ્રમ્પની આ જુગલબંધી પાડોશી દેશ પાકિસ્તાન માટે એક ઝાટકાથી કમ નથી, જે કાશ્મીરને લઈને અમેરિકન રાષ્ટ્રપતિને મધ્યસ્થી કરવાનું રટણ કરવામાં લાગ્યું છે.

હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાનારી આ મેગા ઇવેન્ટમાં ૫૦,૦૦૦થી વધુ ઇન્ડો-અમેરિકન લોકો આવે એવી સંભાવના છે. આટલાં રજિસ્ટ્રેશન અત્યાર સુધી થઈ ચૂક્યાં છે. એના સંબંધમાં વાઇટ હાઉસના મીડિયા સચિવ સ્ટેફિનીએ નિવેદન રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે મોદી અને ટ્રમ્પની આ જૉઇન્ટ રૅલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની અગત્યની તક હશે. વાઇટ હાઉસે કહ્યું કે પીએમ ઑફિસ તરફથી એને માટે આમંત્રણ આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે ટ્‌વીટ કરીને અમેરિકન રાષ્ટ્રપતિના બાવીસમી સપ્ટેમ્બરના કાર્યક્રમમાં સામેલ થવાને લઈને પ્રસન્નતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિનો આ નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચે ખાસ દોસ્તીનો સંકેત છે. પીએમએ ટ્‌વીટમાં કહ્યું કે હ્યુસ્ટનમાં મારી સાથે અમેરિકન રાષ્ટ્રપતિની હાજરી હોવી અમેરિકન સમાજ અને અર્થતંત્રમાં ભારતીય સમુદાયના યોગદાનને માન્યતા આપે છે. તેમણે કહ્યું કે બાવીસમીએ હ્યુસ્ટનમાં આયોજિત કમ્યુનિટી પ્રોગ્રામમાં ડોનલ્ડ ટ્રમ્પ પણ હશે એનાથી વધુ ખુશ છું. તેમણે આગળ કહ્યું કે ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સામેલ થવા માટે ખૂબ ઉત્સાહી છું.

આ પણ વાંચો : બોટ અને કાર બન્નેમાંથી ફ્લોરિડાના આ ભાઈએ બનાવી છે બોટ-કાર

૨૦૧૪મા પીએમ બન્યા બાદ હ્યુસ્ટન ઇવેન્ટ ભારતીય-અમેરિકનોને સંબોધિત કરવાનો પીએમ મોદીનો ત્રીજો સૌથી મોટો કાર્યક્રમ હશે. મેમાં ફરીથી ચૂંટણી જીત્યા બાદ અમેરિકામાં આ પ્રકારની પીએમની પહેલી રૅલી છે. આ પહેલાં ૨૦૧૪મા ન્યુ યૉર્કના મેડિસન સ્ક્વેરમાં બે કાર્યક્રમ આયોજિત કરાયા હતા, જ્યારે ૨૦૧૬માં સિલિકૉન વૅલીમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. બન્ને ઇવેન્ટમાં ૨૦,૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા.

houston narendra modi donald trump