હોમલેસ બાય ચૉઇસ : આ ભાઈ ૭ વર્ષથી હૉન્ગકૉન્ગની ગલીઓમાં બેઘર જીવન ગાળે છે

26 April, 2019 12:23 PM IST  |  હૉન્ગ કૉન્ગ

હોમલેસ બાય ચૉઇસ : આ ભાઈ ૭ વર્ષથી હૉન્ગકૉન્ગની ગલીઓમાં બેઘર જીવન ગાળે છે

હોમલેસ બાય ચૉઇસ

કશું કમાઈ ન શકતા હો અને વખાના માર્યા રોડ પર જીવન ગુજારવું પડતું હોય ત્યારે એની પીડા કેવી હોય એ સમજી શકાય. જોકે હૉન્ગકૉન્ગમાં બાવન વર્ષના સીમોન લી નામના ભાઈએ બેઘર થવાનું પસંદ કર્યું છે અને બાય ચૉઇસ તેઓ શહેરની ગલીઓમાં જીવન ગાળે છે. આ ભાઈ માને છે કે ‘માણસના દુખનું મૂળ ઘર, પૈસો અને સંબંધો છે. સુખી થવું હોય તો આ ત્રણેયથી દૂર રહેવું જરૂરી છે. માણસને હૅપિલી જીવન જીવવું હોય છે, પણ તે માણસની જેમ જીવે તો એ ગોલ કદી મળતો નથી. આનંદ અને સુખ મેળવવા માણસે પ્રાણી જ બનવું પડે. કાલની ચિંતા કરીને આજની મજા ન બગાડાય અને એટલે જ રોડ પર બેઘર બનીને જીવવામાં જ ખરી મજા છે.’

હૉન્ગકૉન્ગના વિક્ટોરિયા પાર્ક પાસે તે છેલ્લાં ૭ વર્ષથી રહે છે. તે ભણેલોગણેલો અને વાઇટકૉલર જૉબ કરી ચૂક્યો છે. કેમિસ્ટ્રીમાં ડિગ્રી ધરાવતા આ ભાઈ એક સમયે મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરતા હતા. જોકે નોકરીનું સ્ટ્રેસ તેમનાથી ન ખમાયું. તેમણે નોકરી છોડીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. સાતેક વર્ષ તેઓ બાળકોને ભણાવીને પૈસા કમાયા, પણ પછી તેમને થયું જ્ઞાન વહેંચવાના પૈસા ન લેવાય. તેણે ભણાવવાના પૈસા લેવાનું બંધ કરતાં તેને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડવા લાગી. જોકે તેને ઘર છોડીને રોડ પર રહેવામાં જરાય સંકોચ ન થયો. તે દરરોજ મૅક્ડોનલ્ડ્સ કે રેસ્ટોરાંમાંનું વધેલું ખાવાનું ખાય છે. સિખ ગુરદ્વારાની બહાર ઊભો રહે તો અનેક લોકો તેને ફ્રી મીલ પણ આપે છે. 

આ પણ વાંચો: આ યુગલે ઍરપોર્ટ પર કર્યા લગ્ન, કેમ કે ૧૨ વર્ષ પહેલાં ત્યાં પહેલી મુલાકાત થયેલી 

બીજાએ કાઢી નાખેલાં કપડાં, બૅગ અને જીવનજરૂરિયાતની અન્ય ચીજોથી તે પોતાની જરૂરિયાત પૂરી કરી દે છે. આખો દિવસ તે પબ્લિક લાઇબ્રેરીમાં વાંચે છે અને ત્યાં બેઠો-બેઠો બ્લૉગ્સ લખે છે. ફેસબુક પર પણ તે પોતાના રોજિંદા અનુભવો શૅર કરે છે. નવાઈની વાત એ છે કે તેના ૬૦૦૦થી વધુ ફૉલોઅર્સ છે અને બ્લૉગ્સ વાંચીને તેને સરાહનારા લોકોની સંખ્યા પણ નાનીસૂની નથી.

hatke news