ઇથિયોપિયાના વડા પ્રધાન અહેમદઅલીને મળશે 2019નો શાંતિ નોબેલ પુરસ્કાર

12 October, 2019 11:23 AM IST  |  ઓસ્લો

ઇથિયોપિયાના વડા પ્રધાન અહેમદઅલીને મળશે 2019નો શાંતિ નોબેલ પુરસ્કાર

ઇથિયોપિયાના વડા પ્રધાન અબિય અહેમદઅલી

૨૦૧૯નું શાંતિનું નોબેલ સન્માન ઇથિયોપિયાના વડા પ્રધાન અબિય અહેમદઅલી (૪૩)ને એનાયત કરવામાં આવ્યું છે. અબિય અહેમદઅલીએ પાડોશી દેશ ઇરિટ્રિયા સાથે સરહદવિવાદ ઉકેલવા માટે પગલાં લીધાં હતાં. નૉર્વેની નોબેલ સમિતિએ આ પ્રયાસ માટે અબિયને શાંતિનું નોબેલ આપ્યું હતું.

નૉર્વેનિયન નોબેલ સમિતિએ અબિય અહેમદને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે હાથ ધરાયેલા પ્રયત્નો માટે નોબેલથી તેમને સમ્માનિત કર્યા હતા. અબિયને મળેલા આ સન્માન દ્વારા ઇથિયોપિયા તેમ જ પૂર્વ અને ઉત્તર-પૂર્વ આફ્રિકા ક્ષેત્રમાં શાંતિ માટે પ્રયાસો કરી રહેલા તમામ લોકોને પણ ઓળખ મળી છે.

અબિય અલી લશ્કરમાં ઇન્ટેલિજન્સ અધિકારી હતા. તેમણે દેશમાં મોટાપાયે આર્થિક અને રાજકીય સુધારા લાગુ કર્યા છે. તેમણે ઇથિયોપિયાને પોતાના પાડોશી દેશ ઇરિટ્રિયા સાથે ૨૦ વર્ષથી ચાલી રહેલા સરહદી વિવાદનો અંત લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ તેમને નોબેલ આપવા માટે મજબૂત પાસું રહ્યું હતું. અબિય ૨૦૧૮માં વડા પ્રધાન બન્યા હતા, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઇરિટ્રિયા સાથે શાંતિ વાટાઘાટને પુનઃ શરૂ કરશે. ઇરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઈસાઈઆસ અફવેરકી સાથે અબિયાએ શાંતિ સમજૂતી માટે ઝડપથી કામ કર્યું અને બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ખિસકોલીએ કારના બોનેટમાં 200 અખરોટ ને સૂકાં તણખલાં ભરી નાખ્યા

૧૯૦૧થી ૨૦૧૯ સુધીમાં કુલ ૯૯ શાંતિના નોબેલ આપવામાં આવ્યા છે. ૧૩૩ લોકો અને સંસ્થાને આ સમ્માન આપવામાં આવ્યું છે. ૧૯ વખત શાંતિનું નોબેલ જાહેર કરવામાં આવ્યું નહોતું. અત્યાર સુધીમાં ૧૭ મહિલાઓને નોબેલથી સન્માનિત કરવામાં આવી છે જ્યારે ૮૯ વખત પુરુષને આ પુરસ્કાર મળ્યો છે. ૨૭ વખત સંસ્થાને નોબેલ એનાયત કરાયું છે.

oslo