ચીનનું આ એરપોર્ટ છે 100 ફૂટબોલ મેદાન જેટલું મોટું, જુઓ ફોટોઝ

26 September, 2019 11:25 AM IST  |  બેઈજિંગ

ચીનનું આ એરપોર્ટ છે 100 ફૂટબોલ મેદાન જેટલું મોટું, જુઓ ફોટોઝ

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે બુધવારે નવા એરપોર્ટને ખુલ્લુ મૂક્યુ. આ એરપોર્ટ લગભગ 100 ફૂટબોલ મેદાન જેટલું મોટું છે. આકાશમાંથી સ્ટારફિશ માછલી જેવું દેખાતું બેઈજિંગ દાક્સિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. ચીનમાં કમ્યુનિસ્ટ શાસનના 70 વર્ષ પૂરા થવા પર આ એરપોર્ટની શરૂઆત સરકારની મહત્વની ઉપલબ્ધિ મનાઈ રહી છે. મનાઈ રહ્યું છે કે 2040 સુધીમાં એરપોર્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલશે. જેમાં 8 રનવે હશે અને એક વર્ષમાં 10 કરોડ મુસાફરો આ એરપોર્ટ પરથી મુસાફરી શરૂ કરશે.

પહેલી ફ્લાઈટ જ લેટ

એરપોર્ટની શરૂઆત બરાબર નથી થઈ. આ એરપોર્ટની પહેલી કમર્શિયલ ફ્લાઈટ F380 સુપર જમ્બો જે ચીનના ગ્વાંગડોંગ જતી હતી, તે 30 મિનિટ લેટ હતી. પહેલી ફ્લાઈટનું લાઈવ કવરેજ કરનારી સરકારી ચેનલ CCTVએ તે અંગે કોઈ ખુલાસો નથી કર્યો.

173 એકરમાં બન્યું એરપોર્ટ

આ આખું એરપોર્ટ 7 લાખ સ્ક્વેર મીટર એટલે કે 173 એકર જમીન પર ફેલાયેલું છે. જેને ઈરાકી-બ્રિટિશ આર્કિટેક્ટ જાહા હદીદે ડિઝાઈન કર્યું છે, તેમનું 2016માં નિધન થયું હતું. આ એરપોર્ટના નિર્માણ પાછળ 24 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જો કે રેલવે ટ્રેક અને રોડ પાછળના ખર્ચાને ઉમેરવામાં આવે તો એરપોર્ટનો ખર્ચો 4 લાખ કરોડ રૂપિયા છે. ટર્મિનલની નીચે એક મેટ્રો સ્ટેશન અને મેટ્રો લાઈન છે, જે 20 મિનિટમાં મુસાફરોને એરપોર્ટથી બેઈજિંગ સિટીમાં પહોંચાડશે.

એક ટર્મિનલ ધરાવતું સૌથી મોટું એરપોર્ટ

મળતી માહિતી પ્રમાણે જ્યારે આ એરપોર્ટ પોતાની પૂરે પૂરી ક્ષમતાથી કામ કરશે તો એક જ ટર્મિનલ ધરાવતું સૌથી મોટું એરપોર્ટ બનશે. હાલ અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જ્યાં 10 કરોડથી વધુ મુસાફરો દર વર્ષે મુસાફરી કરે છે.

2020માં અમેરિકાને પાછળ છોડશે ચીન

મલેશિયા સ્થિત એવિએશન કન્સલટન્સી એન્ડ એનાલિટિક્સના પ્રમુખ શુકૂર યુસુફના કહેવા પ્રમાણે દાક્સિંગ એરપોર્ટ ચીનમાં ફ્લાઈટ બિઝનેસમાં વધારાનું પ્રતીક છે. એક અંદાજ પ્રમાણે 2020ના મધ્યથી ફ્લાઈટ માર્કેટમાં ચીન અમેરિકાને પાછળ છોડી દેશે.

આ પણ વાંચોઃ અચાનક જ આ દેશની હવા થઈ લાલ રંગની ! જુઓ વીડિયો

હાલ બેઈજિંગનું મુખ્ય એરપોર્ટ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ છે, જ્યા વર્ષે 10 કરોડથી મુસાફરો મુસાફરી કરે છે. 2037 સુધીમાં ચીન દર વર્ષે 1.6 કરોડ ફ્લાઈટ મેનેજ કરશે.