અફઘાનિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી હુમલોઃ 63 લોકોનાં મૃત્યુ

19 August, 2019 12:28 PM IST  |  કાબુલ

અફઘાનિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી હુમલોઃ 63 લોકોનાં મૃત્યુ

અફઘાનિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી હુમલો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે મોડી રાતે મોટો આત્મઘાતી હુમલો થયો, જેમાં ઓછામાં ઓછા ૬૩ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૧૮૨થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયના પ્રવક્તાના હવાલાથી જણાવાયું હતું કે ‘આ વિસ્ફોટ પશ્ચિમ કાબુલના એક વેડિંગ-હૉલમાં થયો હતો. આ સમારોહમાં ૧૦૦૦થી વધુ મહેમાનો હાજર હતા. મૃત્યુનો આંકડો વધી શકે છે.

અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર ઘટના શનિવારે રાતે સ્થાનિક સમય અનુસાર ૧૦.૪૦ (ભારતીય સમય મુજબ રાત્રે ૧૧.૪૦ વાગ્યે) વાગ્યાની છે. ગૃહમંત્રાલયના પ્રવક્તા નુસરત રહિમીએ કહ્યું કે ‘હુમલાની જવાબદારી હજી કોઈએ સ્વીકારી નથી એટલે કહી ન શકાય કે ધડાકા પાછળનું કારણ શું છે. આ વિસ્તારમાં અલ્પસંખ્યક શિયા હજારા સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. હુમલાખોરે સમારોહ દરમ્યાન લોકોની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટ લગ્નના સ્ટેજ પાસે થયો હતો, જ્યાં મ્યુઝિશ્યન હાજર હતા.’

એક પ્રત્યક્ષદર્શીનો દાવો છે કે હુમલામાં ઘણાં બાળકોનાં મોત થયાં છે. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે વિસ્ફોટ બાદ વેડિંગ-હૉલમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોની ચીસાચીસ સંભળાતી હતી.

અફઘાન અધિકારીઓએ ઑફિશ્યલ રીતે મરનારાઓની સંખ્યા જાહેર નથી કરી, પરંતુ પ્રવક્તા નુસરત રહિમીએ જણાવ્યું કે ‘કાબુલમાં શનિવાર રાતે થયેલા હુમલામાં અસંખ્ય લોકો માર્યા ગયા છે તથા ઘાયલ થયા છે. બીજી તરફ એક પ્રત્યક્ષદર્શી મોહમ્મદ તૂફાને જણાવ્યું કે ‘સમારોહમાં એકત્ર થયેલા અનેક લોકો માર્યા ગયા છે. વરરાજાના એક સંબંધીએ જણાવ્યું કે લગ્નમાં લગભગ ૧૨૦૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વેઇટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યું તો ગ્રાહકે બંદૂક કાઢીને ગોળી મારી દીધી

અફઘાનિસ્તાનમાં આ વર્ષે ૨૮ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે જેને લઈને અમેરિકા અને તાલીબાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાને લઈને હિંસા વધી ગઈ છે. આ બ્લાસ્ટથી અફઘાનિસ્તાનની રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસથી છવાયેલી શાંતિ ફરીથી ડહોળાઈ ગઈ છે. વેડિંગ-હૉલમાં થયેલા બૉમ્બ-બ્લાસ્ટની ઘટનાને અફઘાનિસ્તાનમાં આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે.

afghanistan