અમેરિકા-કૅનેડાની બૉર્ડર પાસેથી પકડાયેલા સાત ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવશે

29 January, 2022 09:16 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

સાતેસાત ભારતીય નાગરિકો ગુજરાતના જ હોવાનું જણાવવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનારા અને ગયા અઠવાડિયે અમેરિકા-કૅનેડાની બૉર્ડર પાસે પકડાયેલા ૭ ગુજરાતીઓને અમેરિકન બૉર્ડર પૅટ્રોલની કસ્ટડીમાંથી મુક્ત કરાયા છે. તેમને હવે ભારતમાં ડિપોર્ટ કરવામાં આવશે. 
અમેરિકન કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શનના એક સ્ટેટમેન્ટ અનુસાર ગયા અઠવાડિયામાં ગેરકાયદે પ્રવેશનારા તમામ ૭ માઇગ્રન્ટ્સને ઇમિગ્રેશન અને નૅશનલિટી ઍક્ટ હેઠળ પાછા મોકલવા માટેની વહીવટી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. 
આ સ્ટેટમેન્ટમાં વધુ જણાવાયું હતું કે ‘૭માંથી ૬ ભારતીયોને ઑર્ડર ઑફ સુપરવિઝન હેઠળ રાખવામાં આવ્યા છે અને એક વ્યક્તિને માનવતાના ધોરણે ઑર્ડર ઑફ રેકગ્નાઇઝેશન હેઠળ છોડવામાં આવ્યો છે. તમામ માઇગ્રન્ટ્સને બૉર્ડર પૅટ્રોલની કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.’ 
સાતેસાત ભારતીય નાગરિકો ગુજરાતના જ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમની ગયા અઠવાડિયે અમેરિકા-કૅનેડા બૉર્ડર પાસેથી અમેરિકન ઑથોરિટીઝ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ૪૭ વર્ષના સ્ટીવ શૅન્ડ પર હ્યુમન સ્મગલિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. અમેરિકા-કૅનેડિયન બૉર્ડરથી એક માઇલથી પણ ઓછા અંતરે ૧૯ જાન્યુઆરીએ શૅન્ડની ધરપકડ કરવામાં આવી હતી. તે વૅનમાં બે ભારતીય નાગરિકોને લઈ જઈ રહ્યો હતો, જેઓ અમેરિકામાં ગેરકાયદે હતા. 
શૅન્ડ અને બે પૅસેન્જર્સ નૉર્થ ડેકોટામાં પેમબિના બૉર્ડર પૅટ્રોલ સ્ટેશન જઈ રહ્યા હતા. ઑથોરિટીઝને કૅનેડિયન બૉર્ડરની સાવ નજીક વધુ પાંચ ભારતીય નાગરિકો મળ્યા હતા. તેઓ શૅન્ડની ધરપકડ થઈ હતી એ દિશામાં ચાલતા જઈ રહ્યા હતા. આ તમામ ૭ ભારતીયોની 
બૉર્ડર ઑથોરિટીઝ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 
આ પાંચ ગુજરાતીઓએ ઑથોરિટીઝને જણાવ્યું હતું કે તેઓ કૅનેડાથી ચાલીને બૉર્ડર પાર કરીને જઈ રહ્યા હતા અને તેમને લેવા માટે કોઈ આવશે એવી તેમને અપેક્ષા હતી. 
આ ગ્રુપે કહ્યું હતું કે તેઓ ૧૧ કલાક કરતાં વધુ સમયથી ચાલતા હતા. આ ગ્રુપમાંથી એક જણની પાસે બૅકપૅક હતી જે તેની નહોતી. તેણે ઑથોરિટીઝને જણાવ્યું હતું કે ચાર જણના એક ગુજરાતી પરિવારની બૅકપૅક તેની પાસે હતી. તે આ ગ્રુપની સાથે જ ચાલતો હતો, પણ રાતે તેઓ અલગ થઈ ગયા હતા. 
આ બૅકપૅકમાં બાળકોનાં કપડાં, ડાયપર, ટૉય્‍સ અને બાળકો માટેની કેટલીક દવાઓ હતી. ૧૯ જાન્યુઆરીએ બાદમાં કૅનેડિયન ઑથોરિટીઝને કૅનેડા-અમેરિકાની બૉર્ડર પરથી લગભગ ૧૨ મીટરના અંતરે ચાર ભારતીયોના મૃતદેહ મળ્યા હતા. આ ચાર ગુજરાતી ફૅમિલી-મેમ્બર્સની જગદીશ બલદેવભાઈ પટેલ, વૈશાલીબહેન જગદીશકુમાર પટેલ, વિહાંગી જગદીશકુમાર પટેલ અને ધાર્મિક જગદીશકુમાર પટેલ તરીકે ઓળખ 
થઈ છે. 
આ વિક્ટિમ્સની ઓળખ કૅનેડિયન ઑથોરિટીઝ દ્વારા કન્ફર્મ થઈ છે અને ૨૬ જાન્યુઆરીએ તેમની ઑટોપ્સી થઈ હતી. 

international news united states of america canada gujarat