નરેન્દ્ર મોદીએ હવે ૩૨ ઉપવાસ કરવાના બાકી

19 October, 2011 07:06 PM IST  | 

નરેન્દ્ર મોદીએ હવે ૩૨ ઉપવાસ કરવાના બાકી

 

નવસારીમાં આવતી કાલે તેઓ સદ્ભાવના ઉપવાસ કરશે અગાઉ અમદાવાદમાં ત્રણ અને દ્વારકામાં એક ઉપવાસ કર્યો હતો

ગયા મહિને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન-એક્ઝિબિશન હૉલમાં સદ્ભાવના મિશન અંતર્ગત ત્રણ દિવસના ઉપવાસનાં પારણાં કર્યા પછી નરેન્દ્ર મોદીએ સદ્ભાવના મિશનને જનઆંદોલન બનાવવા ગુજરાતના તમામ જિલ્લાઓનો પ્રવાસ કરીને સદ્ભાવનાની શક્તિનો સંદેશ જન જનમાં પહોંચાડવાનો નિર્ધાર જાહેર કરતાં એ વખતે કહ્યું હતું કે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં સદ્ભાવના મિશનનું અભિયાન તેઓ ચલાવશે અને આખો દિવસ ઉપવાસ રાખીને સદ્ભાવના શક્તિનો સાક્ષાત્કાર કરાવશે.

તેમની આ જાહેરાત મુજબ દ્વારકામાં ઉપવાસ કર્યા બાદ હવે ૨૦ ઑક્ટોબરે નરેન્દ્ર મોદી નવસારીમાં સદ્ભાવના ઉપવાસ કરશે. ગુજરાતમાં ૨૬ જિલ્લા અને સાત મહાનગરપાલિકાઓ મળીને કુલ ૩૩ સ્થળોએ સદ્ભાવના ઉપવાસ યોજાશે, જે પૈકી દ્વારકામાં તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ઉપવાસ કરતાં હવે તેમણે ૩૨ ઉપવાસ કરવાના બાકી રહે છે. ઉલ્લેખનીય બાબત એ છે કે અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા એ જોતાં સદ્ભાવના મિશન અંતર્ગત નરેન્દ્ર મોદી કુલ ૩૬ ઉપવાસ કરશે.

ગુજરાત બીજેપીના મહામંત્રી ભરતસિંહ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે નવસારીના લુન્સીકુઇ મેદાનમાં નરેન્દ્ર મોદી સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી સદ્ભાવના ઉપવાસ કરશે. તેમની સાથે નવસારીના બીજેપીના કાર્યકરો અને વિવિધ સમાજના અગ્રણીઓ જોડાશે અને સંતો-ધર્મગુરુઓ પણ આવશે.