ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી ઊંચો બૌદ્ધ સ્તૂપ

06 November, 2011 02:27 AM IST  | 

ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી ઊંચો બૌદ્ધ સ્તૂપ



(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૫

આ બૌદ્ધ સ્તૂપની બાજુમાં ૧૫૧ ફૂટની ઊંચાઈ ધરાવતી બૌદ્ધની પ્રતિમા બનાવવાનો પણ નર્ણિય લેવામાં આવ્યો છે. એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ બૌદ્ધ પ્રતિમા અને બૌદ્ધ સ્તૂપ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના જગપ્રસિદ્ધ શામળાજીના મંદિરથી બે કિલોમીટર દૂર આવેલા દેવનીમોરી ગામ પાસે બનશે. આ માટે આ ગામ પાસે ૧૦૦ એકર જમીન પણ અલાયદી રખાવી દેવામાં આવી છે. ગુજરાત સરકારના ટૂરિઝમ મિનિસ્ટર જયનારાયણ વ્યાસે હકારાત્મક જવાબ આપતાં ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભગવાન બુદ્ધે વિશ્વભ્રમણ દરમ્યાન ગુજરાતમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. પુરાતત્વ ખાતાને દેવનીમોરી ગામ પાસેથી આ બાબતના પુરાવાઓ પણ મળ્યા છે. આ જ કારણોસર દેવનીમોરી ગામ પાસે બૌદ્ધ પ્રતિમા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.’

અત્યારે જે રીતે ગુજરાતમાં ચીન, જપાન, દક્ષિણ કોરિયા જેવા બૌદ્ધ ધર્મ ફૉલો કરતા દેશોનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એ જોઈને ગુજરાત સરકારે બૌદ્ધ સ્તૂપ અને બૌદ્ધ પ્રતિમા બનાવવાનું વિચાર્યું હોવાની શક્યતા પણ છે.

સૌથી ઊંચું સ્ટૅચ્યુ પણ ગુજરાતમાં

બૌદ્ધની પ્રતિમા બનાવવાનો નર્ણિય લેનારી ગુજરાત સરકારે આ અગાઉ ગુજરાતના દેવળિયા કૉલોની ગામે દુનિયાનું સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટૅચ્યુ બનાવવાનું પણ નક્કી કર્યું છે. ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા એ સ્ટૅચ્યુની ઊંચાઈ ૧૮૨ મીટર એટલે કે અંદાજે ૫૯૭ ફૂટની રહેશે.