Wome's Day: સીમા શાહ મળો એવી મહિલાને જેને મળી છે ગ્રીસ ગર્લની ટૅગલાઇન

02 March, 2021 08:13 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

Wome's Day: સીમા શાહ મળો એવી મહિલાને જેને મળી છે ગ્રીસ ગર્લની ટૅગલાઇન

સીમા શાહ

આંતરરાષ્ટ્રીય વિમન્સ ડે આવી રહ્યો છે ત્યારે ગુજરાતી મિડ-ડે સાથે દરરોજ મળો એવી અસાધારણ મહિલાઓને જેમણે પુરુષ પ્રધાન સમાજમાં કહેવાતા પુરુષોના ક્ષેત્રમાં પોતાનું નામ ઉજાળ્યું છે. આજે એવા જ એક મહિલા વિશે આપણે વાત કરીશું જેને ગુજરાતની ગ્રીસ ગર્લની ટૅગલાઇન તો આપવામાં આવી જ છે પણ તેઓ પહેલાં એવા વડોદરાનાં જ નહીં પણ ગુજરાતનાં મહિલા છે જેમની પોતાની એક ડ્રીમ મશીન્સ નામે કાર વર્કશોપ છે અને જેમને મશીન્સ એટલે કે ઓટોમોબાઇલ્સ પ્રત્યે છે અનોખો પ્રેમ. મોટાભાગે ઓટોમોબાઇલ્સ પ્રત્યે પુરુષોને પ્રેમ હોય છે પરંતુ સીમા શાહને બાળપણથી જ કાર્સના મિકેનિઝમ વિશે જાણવું ખૂબ જ રસપ્રદ લાગતું અને કદાચ આ જ માટે તેમણે આ ક્ષેત્રે પોતાની એક આગવી ઓળખ પણ ઊભી કરી.

ગુજરાતની પહેલી એવી મહિલા જેમનું પોતાનું એક ગેરેજ છે, પહેલી એવી મહિલા જેમણે જાતે પોતાની ગરિમાને શોધી. આ મહિલા એટલે સીમા શાહ.

ગ્રીસ ગર્લનો ખિતાબ મળ્યો તે ખરેખર શું છે?
જે રીતે દરેક વ્યક્તિ વિચારે છે કે હવે શું કરવું છે. મેં પણ ફૂડ્સ એન્ડ ન્યૂટ્રિશનનો કૉર્સ કરી લીધા પછી શોધવાનું શરૂ કર્યું કે એવું શું છે જેમાં મને રસ પડે અને હું તે સરસ રીતે કરી શકું. મને બાળપણથી જ મશીન્સ અને ટેક્નોલૉજી પ્રત્યે રસ હતો, તે પણ ઓટોમોબાઇલ્સની. હું ઘણું વિચારતી હતી કે મારે આ કઇ રીતે કરવું અને અંતે મેં નક્કી કર્યું કે મારે વર્કશૉપ શરૂ કરવી છે અને તે પણ કારનો, બાઇકની નહીં.

વર્કશૉપ શરૂ કરવી છે એ નક્કી કર્યા પછી શું?
સૌથી પહેલા તો કાર વર્કશૉપ માટે એક એવી ઇન્સ્ટીટ્યૂટની શોધ કરવાની હતી કારણકે તે વખતે MPFI કાર તો એટલી બધી નહોતી. જ્યારે તમે યંગ હો છો, ત્યારે ઘણું બધું કરી છૂટવાની ઇચ્છા હોય છે અને જો તે સમય તમે વેડફી દીધો તો પછી કંઇ થઈ શકતું નથી. મહિલાઓ, છોકરીઓ તેમને એક પરંપરાગત પેટર્ન ફૉલો કરવાની હોય છે કે તમે એન્જિન્યિરિંગ નહીં કરી શકો કે તેમાં પણ સિવિલ એન્જિન્યરંગ નહીં કરી શકો. તેવામાં ગેરેજ શરૂ કરવું તો ખૂબ જ જુદાં લેવલની વાત હતી.

કેવી રહી એડમિશન પ્રૉસેસ
સીમા શાહ જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે તેમને એવા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો જેનો સામનો એક સમયે ગુંજન સક્સેનાએ પણ કર્યો હતો. તેમને કહેવામાં આવ્યું કે ઇન્સ્ટિટ્યૂટમાં તેમનું એડમિશન નહીં થાય તેનું કારણ છે કે સંસ્થામાં મહિલાઓ માટે અલગ બાથરૂમ નથી. તેના જવાબમાં સીમા શાહે કહ્યું કે તે સ્ટાફ વૉશરૂમનો ઉપયોગ કરશે. પછી તેમને પૂછવામાં આવ્યું કે યુનિફૉર્મ ક્યાં બદલશો, ત્યારે તેમણે ઘરેથી જ યૂનિફૉર્મ પહેરીને આવશે તેવો જવાબ આપ્યો. પરંતુ સૌથી મહત્વનું હતું કે તે ઇન્સ્ટીટ્યૂટમાં માત્ર છોકરાઓ અને આ એક બ્લેક કૉલર જૉબ ગણાય છે તેવી જગ્યાએ તે સર્વાઇવ કેવી રીતે કરી શકશે, તેનો પણ સીમાએ મક્કમતાથી જવાબ આપ્યો કે પહેલી બેન્ચ પર બેસશે, અને કોઇપણ પ્રકારના એવા ટેન્ટ્રમ્સ નહીં કરે. આમ તેમને એડમિશન મળ્યું અને ચાર દિવસ બાદ ત્યાં જે સર હતા તેમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ છોકરી આ ક્ષેત્રમાં સ્ટડી કરવા માગે છે અને આમ તેમણે એડમિશન મેળવી કોર્સ પુરો કરવાનો જંગ જીત્યો હતો.

કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
શરૂઆતમાં અમુક દિવસો એવા રહ્યા જ્યારે મને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પણ મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે કેવી રીતે કરીશ, મારે તો આ કૉર્સ કરવો જ હતો એટલે પછી બધાંને જ્યારે ખ્યાલ આવ્યો કે આ છોકરી ફક્ત ભણવા જ આવી છે અને 120 છોકરાઓમાંથી મારો બીજો નંબર આવ્યો તેના પછી તો બધાં મને મદદ કરવા લાગ્યા. આમ 21 વર્ષ પહેલા જ્યારે હું 24 વર્ષની હતી ત્યારે આ ફિલ્ડમાં જોડાઇ. 1999માં પ્રાઇવેટ વર્કશૉપ શરૂ કર્યું.

મહેનત એ જ જીવનનો સિદ્ધાંત
સખત મહેનત એ જ જીવનનો સિદ્ધાંત છે. મેં સતત દિવસના 10-12 કલાક કામ કર્યું જ છે અને ક્યારેય મને મુશ્કેલ નથી લાગ્યું, હા કદાચ બીજાને એ મુશ્કેલ લાગ્યું હોય પણ તેમની માટે આ ક્યારેક મુશ્કેલ રહ્યું નહીં.

મહિલાઓમાં જાગૃતિ માટે શરૂ કર્યું She on Wheelsનામે વર્કશૉપ
થોડોક સમય પહેલાં જ તેમણે She on Wheelsનામે એક વર્કશૉપનું આયોજન પણ કરેલું. આમ તે પોતે મહિલાઓના ડ્રાઇવિંગ અને ઑટોમોબાઇલ્સ વિશેના જ્ઞાનને વધારવા માટે સતત પ્રયત્નો કરતાં રહે છે.

મહિલાઓની ડ્રાઇવિંગ પુરુષોની તુલનાએ નબળી પડે છે એ વિશે તમારું શું કહેવું છે?
મહિલા તરીકે વાત કરું તો ક્યાંક એ સાચું છે કે મહિલાઓને એટલી સારી ડ્રાઇવિંગ નથી આવડતી પરંતુ તેમાં પણ વાંક પુરુષપ્રધાન સમાજનો જ છે. નાનપણથી જ્યારે ઘરમાં કાર આવે તો તે નાના છોકરાના હાથમાં ચાવી આપવામાં આવી છે પણ દીકરીના હાથમાં નહીં. બન્ને સાથે તે સમયે એકસરખું વર્તન થવું જોઇએ. હવે થોડો સુધારો થયો છે પણ સમાજ તરીકે માત્ર પુરુષોને જ નહીં પણ સ્ત્રીને પણ સરખાં ઇક્વિપમેન્ટ્સ(સાધનો) વાપરવાની છૂટ મળવી જોઇએ. નાનપણથી જ છોકરીઓને પણ ગાડી આપવામાં આવશે તો તે પણ એટલી જ સારી ડ્રાઇવિંગ કરી શકશે જેટલી સારી પુરુષો કરે છે.

international womens day womens day vadodara