Wome's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને

04 March, 2021 02:21 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

Wome's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને

Wome's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દરરોજ એક એવી મહિલા સાથે પોતાના વાચકોને મેળવે છે જે પોતાનામાં જ એક આગવી અસાધારણતા ધરાવે છે. આજે આપણે મળીએ બૉડી શેમિંગનો ભોગ બનવા છતાં હવે બૉડી પૉઝિટીવિટીને સમજી જીવી અને પોતાની ઓળખ બનાવીને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનેલા ફાલ્ગુની વસાવડા ઓઝાને.તેઓ મુદ્રા સ્કુલ ઑફ કોમ્યુનિકેશન એન્ડ એડવર્ટાઇઝિંગ - માઇકામાં પ્રોફેસર પણ છે. જાણો તેમના જીવનની ક્ષણોને તેમના પોતાના શબ્દોમાં...

મહિલા દિવસ આવી રહ્યો છે. મહિલા એટલે કે સ્ત્રીની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે સ્ત્રી અને સુંદરતા એવા બે શબ્દો હંમેશાં સમાંતર ચાલતાં આવતા હોય છે. આપણાં સમાજમાં સ્ત્રીની સુંદરતાની એક ખાસ વ્યાખ્યા બનાવવામાં આવી છે, જેમાં સ્ત્રીએ સુંદર હોવા માટે ગોરા, પાતળા, લાંબા અને દેખાવડા હોવું ખૂબ જ મહત્વનું છે. આ ગુણ જે સ્ત્રીમાં હોય તે સુંદર, પણ જે સ્ત્રી સ્થૂળ છે ઊંચાઇમાં થોડીક બટકી છે, થોડીક ઘઉંવર્ણી કે શ્યામવર્ણી છે તેને કુરુપ માનવામાં આવે છે.

આ સુંદરતા અને અસુંદરતાના મૂળ આપણાં સમાજમાં ઊભા કરવામાં આવ્યા છે. ખરેખર સુંદરતા શરીરની નહીં પણ મનની હોય છે. અસુંદરને ચાહી ચાહીને સુંદર બનાવવાની વાત જે કવિએ કરી હતી તેવી જ વાત અહીં ફાલ્ગુની વસાવડા પોતાના ફોલોઅર્સને લગભગ હંમેશાં કરતાં હોય છે. જ્યારે સમાજમાં સ્થૂળતાને બેડોળ માનવામાં આવે છે ત્યારે પોતાનો આત્મવિશ્વાસ ઘટાડવાને બદલે પોતે જેવા છે તેવા સ્વીકારીને પોતાની જાતને પ્રેમ કરવું ખૂબ જ મહત્વનું છે. જ્યારે તમે પોતાને પ્રેમ કરો છો અને પોતાને જોવાનો દ્રષ્ટિકોણ જો પોતે જ બદલો તો બીજા તરફથી કરવામાં આવેલી ટીકા કે કોઇપણ પ્રકારની કોમેન્ટની માઠી અસર તમારા મન પર થતી નથી.

ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે જ્યારે ફાલ્ગુની વસાવડાને તેમની જર્ની વિશે પુછ્યું કે પોતે બૉડી શેમિંગનો અનુભવ કર્યા પછી આજે સોશિયલ મીડિયા પર બૉડી પૉઝિટીવિટીના મુદ્દે જ તેઓ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર બન્યાં છે. તેમણે કહ્યું, "બાળપણથી જે સમાજમાં જોયું તે પ્રમાણે સુંદરતાની વ્યાખ્યાની સમજણ તો પડી જ ગઈ અને આ કારણસર જે પણ વ્યક્તિ વધારે લાંબી હોય, કાળી હોય કે જાડી હોય તેને આ પ્રકારની કૉન્શિયસનેસ તો હોય જ પણ જે રીતે હું મોટી થઈ, મેં ડબલ ગ્રેજ્યુએશન મેળવ્યું, બે મેડલ્સ મેળવ્યા, કામ કર્યું, લગ્ન કર્યાં, પછી કામ થકી વિશ્વમાં ફરવાનું થયું અને આ દરમિયાન મેં એક વસ્તુ જાણી અને તે હતી બૉડી પૉઝિટીવિટી. આ બૉડી પૉઝિટીવિટી જેનો મૂળ હેતુ છે સ્વીકારવું. જેવા છીએ તેવા પોતેને સ્વીકારવું. અને તે ક્ષણે મને સમજાયું કે આપણે જેવા દેખાઇએ છીએ તેટલા પૂરતું જ પોતાને સીમિત કરીને પોતાની સાથે ખૂબ જ ખોટું કરીએ છીએ. આપણે કેવા દેખાઇએ છે, આપણું શરીર કેવું છે તેના કરતાં આપણું જીવન ઘણું વધારે છે. આ જ્યારે સમજાયું તે પછી મારામાં અનેક પરિવર્તન આવ્યા, જેમાં સેલ્ફ લવ, કૉન્ફિડન્સ જેવા ઘણાં સારા ફેરફાર થયા."

તેમને જ્યારે આ વાસ્તવિકતાઓ સમજાઇ કે જીવન બાહ્ય દેખાવ કરતા કંઇક વધારે છે ત્યારથી જ પોતાના દેખાવનો સ્વીકાર કર્યો. પોતાની જાતને પ્રેમ કર્યો અને પોતાને વધુ સારી બનાવવાની શરૂઆત કરી. આમ તેમણે પોતાની સમજમાં વધારો કર્યો અને આ પ્રૉસેસ હજી પણ ચાલુ છે. તેઓ કહે છે, હું જ્યાં સુધી છું ત્યાં સુધી આ શીખવા સમજવાની પ્રોસેસ ચાલતી રહશે. એક મનુષ્ય તરીકે હું મને બહેતર અને બહેતર બનાવવામાં લાગેલી જ છું."

જ્યારે તમે પોતાની જાતને પ્રેમ કરવા માંડો, ત્યારે એક ગ્લો, એક પ્રકારનો આત્મવિશ્વાસ આવી જ જાય અને તેની માટે તમારામાં આવેલા ફેરફારો માટે તમે પોતે જ જવાબદાર હો છો તેમ તેમનું દ્રઢતા પૂર્વક માનવું છે.

womens day international womens day national news gujarat