ગુજરાતમાં શિયાળો જામતો જાય છે

29 October, 2012 06:11 AM IST  | 

ગુજરાતમાં શિયાળો જામતો જાય છે



ઉત્તરીય પવનો આવવાની શરૂઆત થઈ ગઈ હોવાથી ગુજરાતમાં શિયાળાની મોસમ જામતી જાય છે. વિન્ટર દરમ્યાન ઠંડીમાં હંમેશાં આગળ રહેતા નલિયામાં ગઈ કાલે મિનિમમ ટેમ્પરેચર ૧૪.૨ ડિગ્રી થઈ ગયું હતું, જ્યારે ગાંધીનગરમાં ૧૬.૨ ડિગ્રી અને ડીસામાં ૧૬.૭ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘કાશ્મીરના પવનની સીધી અસર ગુજરાતમાં વર્તાય છે. કાશ્મીરમાં હિમવષાર્ની આગાહી છે એને લીધે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે.’

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું; જ્યારે કંડલામાં ૧૭.૨, અમદાવાદમાં ૧૮.૫, વડોદરામાં ૨૦, ભુજમાં ૨૦.૩, મહુવામાં ૨૦.૯, રાજકોટમાં ૨૧.૭, સુરેન્દ્રનગરમાં ૨૧.૯ અને સુરતમાં ૨૫ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.

અચાનક વધી ગયેલી ઠંડીને કારણે ગઈ કાલે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. ગુજરાતમાં ધુમ્મસનું પ્રમાણ વધી જતાં હાઇવે પર સવારે આઠ વાગ્યા સુધી ધૂંધળું દેખાતું હતું. ધુમ્મસને કારણે ગઈ કાલે ગુજરાતના અલગ-અલગ હાઇવે પર ૧૪ ઍક્સિડન્ટ થયા હતાં અને એમાં ત્રણનાં મોત થયાં હતાં.