નલિયા થયું ઠંડુંગાર : લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી

26 December, 2011 05:23 AM IST  | 

નલિયા થયું ઠંડુંગાર : લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી



કચ્છમાં પડી રહેલી આકરી ઠંડીને કારણે કચ્છના કલેક્ટરે જિલ્લાની સવારની શિફ્ટની તમામ સ્કૂલો ૪૫ મિનિટ મોડી કરી નાખી છે જ્યારે જિલ્લાભરમાં ચાલતાં બાળમંદિર અને પ્લેહાઉસને આજના એક દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

ઉત્તરીય પવનોને કારણે કચ્છ અને આંશિકપણે સૌરાષ્ટ્રમાં શરૂ થયેલી કોલ્ડ વેવની અસર વચ્ચે ગઈ કાલે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પારો એકથી અઢી ડિગ્રી જેટલો ઘટ્યો હતો. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાક સુધી હજી પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની અસર રહેશે અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

ગઈ કાલે ફરી એક વાર કચ્છનાં મોટા ભાગનાં સેન્ટરનું મિનિમમ ટેમ્પરેચર ૧૦ ડિગ્રીથી નીચું રહ્યું હતું. નલિયામાં તો વધુ ૧.૨ ડિગ્રીનો ઘટાડો થયો હતો અને લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી પર પહોંચ્યું હતું; જ્યારે ભુજમાં ૭.૯, અંજારમાં ૮.૭, માંડવીમાં ૯.૮ અને કંડલામાં ૯.૯ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી રાજકોટમાં પડી હતી. રાજકોટમાં ગઈ કાલે ૧૦ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર હતું.

દિલ્હીમાં નોંધાઈ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઠંડી ક્રિસમસ

ગઈ કાલે દિલ્હીમાં ઠંડીનો પારો સરેરાશ તાપમાનથી પાંચ ડિગ્રી નીચે પહોંચી ગયો હતો. ત્યાં તાપમાન ૨.૯ ડિગ્રી જેટલું નોંધાતાં છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઠંડી ક્રિસમસ નોંધાઈ છે.