કચ્છમાં આકરી કોલ્ડ વેવ

25 December, 2011 05:04 AM IST  | 

કચ્છમાં આકરી કોલ્ડ વેવ

 

ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે ‘ઉત્તરીય પવનની આ અસર છે. ઉત્તર પ્રદેશની ઠંડીની સીધી અસર હજી અહીં દેખાશે અને સૌરાષ્ટ્ર-કચ્છનું લઘુતમ તાપમાન હજી વધુ ઘટશે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માફકસરની ઠંડી રહેશે.’

ઠંડીમાં કચ્છ જિલ્લો ગુજરાતભરમાં સૌથી આગળ રહ્યો હતો. ગઈ કાલે કચ્છના લઘુતમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો, જેને કારણે જિલ્લાનાં તમામ મુખ્ય મથકોનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી પણ નીચે આવી ગયું હતું. આંકડાની વાત કરીએ તો ગઈ કાલે નલિયામાં મિનિમમ ટેમ્પરેચર ૪.૨ ડિગ્રી હતું; જ્યારે માંડવીમાં ૬.૮, ભુજમાં ૭.૫, અંજારમાં ૯.૪, રાપરમાં ૯.૭ અને કંડલામાં ૯.૯ ડિગ્રી ટેમ્પરેચર રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીની અસર પ્રમાણમાં આકરી કહેવાય એવી જ રહી હતી. રાજકોટમાં લઘુતમ તાપમાન ૯.૭, જૂનાગઢમાં ૯.૯, જામનગરમાં ૧૦, અમરેલીમાં ૧૦.૪, પોરબંદરમાં ૧૧.૮ અને સુરેન્દ્રનગરમાં ૧૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

છેલ્લા બે દિવસથી ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીના મુદ્દે સૌરાષ્ટ્ર-કચ્છની સરખામણીએ રાહત રહી હતી. ગઈ કાલે ગાંધીનગરમાં ૧૨.૨, ડીસામાં ૧૨.૩, વલસાડમાં ૧૨.૬, અમદાવાદમાં ૧૩.૬, વડોદરામાં ૧૩.૯ અને સુરતમાં ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

દિલ્હીમાં ૩.૩ ડિગ્રી સાથે સીઝનનો સૌથી ઠંડો દિવસ

ગઈ કાલે સવારે દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો અને ઠંડીનો પારો ૩.૩ ડિગ્રી જેટલો નીચે ઊતરી ગયો હતો. દિલ્હીમાં શિયાળાની શરૂઆત થઈ એ પછી પહેલી વાર તાપમાન ૪ ડિગ્રી કરતાં ઓછું થયું છે. આ તાપમાન સામાન્ય મિનિમમ તાપમાન કરતાં પાંચ ડિગ્રી જેટલું ઓછું છે. શ્રીનગર-કાશ્મીર ખીણપ્રદેશ અને લદ્દાખ વિસ્તારમાં ઠંડી વધારે કાતિલ બની છે. લદ્દાખના લેહ નગરમાં ગઈ કાલે લઘુતમ તાપમાન માઇનસ ૧૭.૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું, જે આ મોસમનું સૌથી ઓછું તાપમાન હતું. શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૧.૨ ડિગ્રી અને ગુલમર્ગમાં માઇનસ ૮.૨ ડિગ્રી જેટલું મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.