સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ઠંડી : અન્યત્ર રાહત

23 December, 2011 06:35 AM IST  | 

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ઠંડી : અન્યત્ર રાહત



ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની સીધી અસર વચ્ચે ઉત્તરીય પવનોનું જોર વધતાં ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરીથી કોલ્ડ વેવની શરૂઆત થઈ હતી અને લઘુતમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત મહત્તમ તાપમાન પણ નીચું રહેવાથી આખો દિવસ ઠંડીનો અનુભવ થયો હતો, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં રાહત રહી હતી. ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર આવતા ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ઠંડી અને ગુજરાતના અન્ય ભાગોમાં મધ્યમ ઠંડી પડશે.

ઠંડીની બાબતમાં ગઈ કાલે કચ્છ જિલ્લાનું માંડવી ગુજરાતમાં સૌથી આગળ રહ્યું હતું અને હંમેશાં ઠંડીમાં અગ્રેસર રહેતું નલિયા છેક ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું હતું. માંડવીનું લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી હતું; જ્યારે ભુજમાં ૯.૪, નલિયામાં ૯.૮, રાજકોટમાં ૧૦.૧, જામનગરમાં ૧૦.૫, જૂનાગઢમાં ૧૦.૭, કંડલામાં ૧૦.૯, અમરેલીમાં ૧૧, ડીસામાં ૧૧.૮, ગાંધીનગરમાં ૧૨.૫, સુરેન્દ્રનગરમાં ૧૨.૭, અમદાવાદમાં ૧૩.૮, વડોદરામાં ૧૪.૧ અને સુરતમાં ૧૭.૨ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.