સંભાળજો હોં! ગુજરાતમાં રેકૉર્ડબ્રેક ઠંડીની આગાહી

22 December, 2011 08:09 AM IST  | 

સંભાળજો હોં! ગુજરાતમાં રેકૉર્ડબ્રેક ઠંડીની આગાહી



ઉત્તર ભારતમાં પડી રહેલી કાતિલ ઠંડીના ઉત્તરીય પવનોને કારણે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં રેકૉડબ્રેક ઠંડી પડશે અને અત્યારના લઘુતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થશે એવી આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે કોલ્ડ વેવની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં દેખાવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે ઠંડી રહેશે.

આવી રહેલી કોલ્ડ વેવની અસરરૂપે ગઈ કાલે ગુજરાતના લઘુતમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો.

ગઈ કાલે ગુજરાતમાં સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. ગઈ કાલે નલિયામાં મિનિમમ ટેમ્પરેચર ૭.૧ ડિગ્રી રહ્યું હતું જ્યારે માંડવીમાં ૯.૭ ડિગ્રી, ડીસામાં ૧૦ ડિગ્રી, ભુજમાં ૧૦.૧ ડિગ્રી, જૂનાગઢમાં ૧૦.૬ ડિગ્રી, અમરેલીમાં ૧૧.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૫ ડિગ્રી, કંડલામાં ૧૧.૮ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૭ ડિગ્રી, જામનગરમાં ૧૧.૯ ડિગ્રી, અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી, પોરબંદરમાં ૧૩.૫ ડિગ્રી, બરોડામાં ૧૪.૧ ડિગ્રી અને સુરતમાં ૧૬.૫ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું.

કલકત્તામાં ગઈ કાલે સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો

અત્યાર સુધી દેશમાં રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને કાશ્મીર જેવાં રાજ્યોમાં ભારે ઠંડી જોવા મળી છે, પણ ધીરે-ધીરે આ ઠંડીનું સામ્રજ્ય દેશના બીજા હિસ્સાઓમાં પણ ફેલાઈ રહ્યું છે. પિશ્વમબંગના કલકત્તામાં ગઈ કાલે સીઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો હતો અને તાપમાનનો પારો ૧૨ ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચે ઊતરી ગયો હતો. શહેરનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું નોંધાયું હતું. પિશ્વમબંગના જિલ્લાઓનું સરેરાશ લઘુતમ તાપમાન ૭થી ૧૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું અને આગામી દિવસોમાં એમાં ઘટાડો થાય એવી પૂરેપૂરી શક્યતા છે.