લોકો શા માટે નરેન્દ્ર મોદીને જ ભારતના પીએમ તરીકે ઝંખે છે?

17 September, 2012 06:56 AM IST  | 

લોકો શા માટે નરેન્દ્ર મોદીને જ ભારતના પીએમ તરીકે ઝંખે છે?





(રોહિત શાહ)

૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતના નકશામાં ગુજરાતનું નામ પણ નહોતું. ૧૯૬૦ની પહેલી મેએ ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થપાયું. આજે ભારતના નકશામાં ગુજરાતને વિશેષ હાઇલાઇટર રાજ્ય તરીકે જોવામાં આવે છે.

ગુજરાતમાં સૌથી વધુ લાંબા સમય માટે જે પક્ષનું શાસન રહ્યું એ કૉન્ગ્રેસ છે, પરંતુ મુખ્ય પ્રધાન તરીકે જેમની સૌથી લાંબી મજલ રહી એ તો બીજેપીના નરેન્દ્ર મોદીની. એકવીસમી સદીના આરંભથી આજ સુધી એટલે કે નૉનસ્ટૉપ બાર વર્ષની સફર નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે સંપન્ન કરી છે. તેમની સામે કોમવાદના, નકલી એન્કાઉન્ટરના, ઉદ્યોગપતિઓને જમીન આપી દેવાના અનેક આરોપો સતત થતા રહ્યા છે એ છતાંય આજે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન તરીકે સૌથી હૉટ ફેવરિટ છે. આ કોઈ ગપગોળો નથી. વિવિધ પ્રકારના સર્વે થતા રહ્યા છે અને એ દરેક સર્વેમાં નરેન્દ્ર મોદીને ભારતના વડા પ્રધાન તરીકે સૌથી વધુ લોકોએ સિલેક્ટ કર્યા છે.

હવે મહત્વનો સવાલ એ ખડો થાય છે કે શા માટે નરેન્દ્ર મોદી પીએમના પદ માટે સૌથી હૉટ ફેવરિટ છે? એવું તે શું છે તેમની પર્સનાલિટીમાં, એવો તે કેવો પ્રભાવ છે તેમના પૉલિટિક્સમાં? થોડાક જાણીતા અને થોડાક અજાણ્યા લોકોને સહજ કુતૂહલતાથી સવાલ પૂછ્યો કે તમારી દૃષ્ટિએ નરેન્દ્ર મોદીની પીએમ તરીકેની લાયકાત કઈ છે? આંખોમાં અહોભાવ અને શબ્દોમાં આત્મવિશ્વાસ સાથે લોકોએ જે જવાબો આપ્યા એ સાંભળો.

કોઈકે કહ્યું કે ‘નરેન્દ્ર મોદી ડૅશિંગ અને ડેરિંગવાળા દેખાય છે. ૬૨ વર્ષે પણ યુવાન લાગે છે. અત્યાર સુધી રાજીવ ગાંધીને બાદ કરતાં ભારતના પીએમ તરીકે માત્ર બુઢ્ઢા અને ખડૂસ ટટ્ટુઓ જેવા નેતાઓ જ મળ્યા છે. તેઓ જ્યારે વિદેશના નેતાઓ સાથે ઊભા હોય છે ત્યારે તેજહીન, ગરીબડા અને લાચાર જેવા દેખાય છે. નરેન્દ્ર મોદીની બૉડી-લૅન્ગ્વેજ વિદેશના નેતાઓની છુટ્ટી કરી નાખે એવી પ્રભાવક છે. પીએમ તો એવો પાવરફુલ જ હોવો જોઈએ, મુડદાલ નહીં.’

એક કૉલેજિયન યુવાને કહ્યું કે ‘મને પૉલિટિક્સ બાબતે કશીયે ગતાગમ નથી પડતી, પણ નરેન્દ્ર મોદી વિશે એટલી ખબર છે કે તે કદી કોઈનાથી નથી ડરતા અને ક્યારેય કોઈનાથી દબાયેલા નથી રહેતા. ડરપોક અને દબાયેલો માણસ પીએમ થાય તો દેશનું શું કલ્યાણ કરવાનો?’

એક કૉલેજિયન યુવતીએ કહ્યું કે ‘નરેન્દ્ર મોદીનું સૌથી જમા પાસું તેમની ગજબની સ્પીચ છે. તેમના અવાજમાં આત્મવિશ્વાસનો રણકો હોય છે. તેમની સામે બેઠેલા પત્રકારોને તેમની સ્પીચમાંથી રમતાં-રમતાં આઠ કૉલમનાં મેઇન હેડિંગ્સ મળી જાય છે. નરેન્દ્ર મોદીની વાત પર અવિશ્વાસ કરવાનું કોઈને મન જ ન થાય એવો જાદુ તેમની સ્પીચમાં હોય છે.’

એક મહિલાએ અત્યંત માર્મિક વાત કરી કે ‘નરેન્દ્ર મોદીનું ફૅમિલી બૅકગ્રાઉન્ડ ચોખ્ખુંચણક છે. તેમણે ક્યારેય પોતાના ભાઈઓ કે રિલેટિવ્સ માટે પોતાના પદનો દુરુપયોગ નથી કર્યો. નરેન્દ્ર મોદીને પીએમ બન્યા પછી પોતાની જ ફૅમિલીમાંથી કોઈને વારસામાં પીએમની ગાદી સોંપવાની લાલચ પણ રહેવાની નથી. આવા ન્યુટ્રલ માણસના હાથમાં એક વખત દેશનું સુકાન સોંપવું જ જોઈએ.’

મોટા ભાગના લોકોનો એક જ સૂર હતો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ જોયા પછી તેમના નેતૃત્વ માટે શ્રદ્ધા પ્રબળ બને છે. ભૂકંપ, કોમી રમખાણો અને દુકાળ જેવી પરિસ્થિતિમાં જ્યારે ગુજરાત સાવ તળિયે જઈ બેઠું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ એકલે હાથે, પોતાની નિષ્ઠાથી ગુજરાતને સૌથી ટૉપ પર લાવી મૂક્યું છે. કુદરત પણ તેમની ફેવર કરે છે. આ વર્ષે વરસાદ ખેંચાયો ત્યારે ગુજરાત પર દુકાળના ઓળા છવાયા હોય એવું લાગતું હતું, પણ કુદરતે પોતાની કૃપા અનરાધાર વરસાવીને જાણે નરેન્દ્રભાઈને કાનમાં કહી દીધું કે લગે રહો નરેન્દ્ર મોદી!

દરેક વ્યક્તિ પાસે નરેન્દ્ર મોદીની ફેવર કરવા માટે કોઈ ને કોઈ નક્કર દલીલ હતી. કોઈને મન ૨૦૦૧થી ગુજરાતમાં કોમી શાંતિ મહત્વની હતી તો કોઈને મન વિવિધ ઉદ્યોગોથી ગુજરાત ધમધમતું બન્યું એની વાત હતી. કોઈકે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે સ્થપાયેલા સોલર પ્રોજેક્ટની વાત કરી તો કોઈકે મહેસાણા જિલ્લાના ચંદ્રાસણ ગામમાંથી પસાર થતી નર્મદા કનૅલ પર તૈયાર થયેલા કનૅલ ટૉપ સોલર પાવર પ્રોજેક્ટની વાત કરી. કોઈકે ભરૂચ જિલ્લાના દહેજ ગામને બંદર તરીકે જે નવી ઓળખ મળી - દહેજને કેમિકલ ર્પોટનો દરજ્જો મળ્યો એની વાત કરી તો કોઈકે માંડવી નગરને શ્યામજી કૃષ્ણવર્માની સ્મૃતિમાં ‘ક્રાન્તિ ર્તીથ’ બનાવ્યું એનું સ્મરણ કર્યું. ઘણા લોકોએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ લોકોને રોતલ અને દીનહીન બનવાને બદલે ઉત્સાહભેર ઉત્સવો ઊજવવાનું શીખવ્યું, એવા ઉત્સાહથી એકતા વધે છે અને વિકાસનો માર્ગ મોકળો થાય છે. કેટલાક લોકોએ ‘વાંચે ગુજરાત’, ‘જ્યોતિગ્રામ’ જેવાં અભિયાનો-યોજનાઓનો મહિમા ગાયો. સૌની વાતનો સરવાળો એટલો જ થતો હતો કે નરેન્દ્ર મોદીની આ વિચક્ષણ પ્રતિભાનો લાભ માત્ર ગુજરાત પૂરતો જ સીમિત શા માટે રહેવો જોઈએ? સમગ્ર દેશને એનો લાભ મળવો જોઈએ.

મુસ્લિમ ટૅક્સી-ડ્રાઇવરનું ખ્વાબ

નરેન્દ્ર મોદી પીએમ માટે યોગ્ય છે કે નહીં એની ચર્ચા તો અત્યારે ચગી છે, પણ લગભગ સાડાત્રણ વર્ષ પહેલાં હું ફૅમિલી સાથે કાશ્મીરના પ્રવાસે ગયેલો ત્યારે શ્રીનગરમાં એક મુસ્લિમ ટૅક્સી-ડ્રાઇવરે એ વખતે વાત-વાતમાં કહેલું કે ‘સા’બ, આપ બહોત લકી હૈં કિ નરેન્દ્ર મોદી કે શાસન મેં જી રહે હો. પાકિસ્તાન કો ડરાને કે લિએ સર્ફિ એક હી આદમી કાફી હૈ ઔર વહ હૈ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી કો અગર કભી ભારત કા પીએમ બનાયા જાએગા તો આતંકવાદ દૂમ દબાકર ભાગેગા.’

તે ડ્રાઇવરે બીજી પણ એક વાત કરી હતી કે નરેન્દ્ર મોદીએ બીજા નેતાઓની જેમ વિદેશપ્રવાસો પાછળ દેશના પૈસા બિનજરૂરી વેડફ્યા નથી. કેટલાક નેતાઓએ તો પોતાની સારવાર માટેય દેશનું મબલક ધન ખચ્ર્યું છે. નરેન્દ્ર મોદીની સારવાર માટે દેશને કાંઈ ચૂકવવું નથી પડ્યું.