હૉસ્પિટલ લઈ જવા પ્રસૂતાને લારીમાં લઈ ગયા, રસ્તામાં જ થયો બાળકીનો જન્મ

10 April, 2020 05:32 PM IST  |  Mumbai Desk

હૉસ્પિટલ લઈ જવા પ્રસૂતાને લારીમાં લઈ ગયા, રસ્તામાં જ થયો બાળકીનો જન્મ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે વડા પ્રધાન મોદીએ ૧૪ એપ્રિલ સુધી ગુજરાત સહિત દેશભરમાં લૉકડાઉન જાહેર કર્યું છે, જેથી આખા દેશમાં વાહનવ્યવ્હાર સંપૂર્ણ રીતે બંધ છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ઇમર્જન્સી વગર લોકોને ઘરથી બહાર ન નીકળવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં લૉકડાઉનના કારણે વાહનવ્યવહાર ઠપ છે. ત્યારે એક મહિલાને અચાનક જ ડિલિવરી પેઇન શરૂ થતાં તેના પરિવારજનો વાહન વ્યવહાર બંધ હોવાથી ગભરાઈ ગયા હતા. હૉસ્પિટલ લઈ જવા માટે કોઈ સાધનની વ્યવસ્થા ન હોવાથી મહિલાને લારીમાં લઈ જવાનું નક્કી કર્યું હતું. પ્રસૂતાને લારીમાં સુવડાવીને ૧ કિલોમીટર સુધી લઈ ગયા જ્યાં રસ્તામાં મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો.

રૈયાધાર પાણીની ટાંકી પાસે રહેતા અને ભંગારનું કામ કરતા શ્રમિક પરિવારમાં મોડી રાતે એક મહિલાને પ્રસૂતાની પીડા ઊપડી હતી. મહિલાને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવા માટે કોઈ સાધન નહોતું. ત્યારે તેમના પરિવારના સભ્યોએ મહિલાને લારીમાં જ હૉસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું હતું. રિક્ષા તેમ જ અન્ય વાહનની શોધમાં મહિલાને લારીમાં સુવડાવી એક કિલોમીટર સુધી લઈ ગયા હતા. ૧૦ મિનિટ બાદ રૈયાધાર મુખ્ય માર્ગ પર પહોંચતાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.

national news gujarat coronavirus covid19