અંબાજીમાં ગઈ કાલે એક દિવસમાં અધધધ સવાચાર લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું

01 October, 2012 05:50 AM IST  | 

અંબાજીમાં ગઈ કાલે એક દિવસમાં અધધધ સવાચાર લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું



શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૧

જગતજનની મા અંબાના શક્તિપીઠ, અંબાજીમાં ગઈ કાલે ભાદરવી પૂનમના દિવસે સવારે છ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અધધધ કહી શકાય એટલી માત્રામાં અંદાજે સવાચાર લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નિજ મંદિરમાં માતાના ખોળે શીશ ઝુકાવી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આખા વર્ષમાં ભાદરવી પૂનમના દિવસનું મહત્વ ભાવિકોમાં વધુ હોવાને કારણે ગઈ કાલે અંબાજીમાં રીતસર માઇભક્તોનું ઘોડાપૂર ઊમટી આવ્યું હતું અને નાનકડા અંબાજીમાં તેમ જ ગબ્બર ઉપર માનવસાગર હિલોળા લઈ રહ્યો હતો. ‘બોલ માડી અંબે, જય જગદંબે’ના ગગનભેદી જયઘોષ વચ્ચે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામ ગાજી ઊઠ્યું હતું.

અંબાજી મંદિરના મિડિયા સેલ ઇન્ચાર્જ વૈભવ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે છ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મંદિરમાં ૪,૨૧,૭૦૨ યાત્રીઓએ દર્શન કર્યાં હતાં, જ્યારે છેલ્લા ૭ દિવસમાં ૨૬,૧૯,૫૭૪ યાત્રિકોએ મંદિરમાં દર્શન કર્યાં હતાં. રાત્રે દોઢ વાગ્યા સુધી મંદિરમાં દર્શન ચાલુ હોવાથી એ આંકડો વધ્યો હતો. ગઈ કાલે ભંડારામાં ૫૨,૨૦,૦૩૫ રૂપિયાની આવક અને ૭ દિવસ દરમ્યાન ભંડારામાં ૩,૦૮,૬૫,૫૨૨ રૂપિયાની આવક થઈ હતી. સંઘો દ્વારા અને વ્યક્તિગત રીતે માતાજીના મંદિરમાં ભાવિકોએ ૧૦,૧૮૧ ધજા ચડાવી હતી.