ઉકાઈ ડૅમમાંથી પાણી છોડાયું, સુરતમાં અલર્ટ

20 July, 2022 10:17 AM IST  |  Mumbai | Shailesh Nayak

રાંદેરમાં આવેલો કૉઝવે કરાયો બંધ, શહેરના લૉ-લાઇંગ એરિયામાં પાણી ભરાઈ ન જાય એ માટે ફાયર વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે ડીવૉટરિંગ પમ્પ મુકાયા, તાપી નદીના કિનારા પર આવેલાં ગામોને સાવધ કરવામાં આવ્યાં

ઉકાઈ ડૅમમાંથી પાણી છોડાતાં સુરત શહેરમાં બન્ને કાંઠે વહેતી તાપી નદી.

અમદાવાદ ઃ ગુજરાતમાં આવેલા ઉકાઈ ડૅમના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડૅમમાં પાણીની આવક થતાં ઉકાઈ ડૅમમાંથી પાણી છોડાતાં તાપી નદીમાં પાણી આવ્યું હતું. સુરતમાંથી તાપી નદીનો ધસમસતો પ્રવાહ પ્રસાર થતાં શહેરના લો લાઇન એરિયામાં પાણી ભરાઈ ન જાય એ માટે ગઈ કાલે સુરત ફાયર વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે ડીવૉટરિંગ પમ્પ મુકાયા હતા.
સોમવારે રાત્રે ઉકાઈ ડૅમના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે એ ઉપરાંત હથનુર ડૅમમાંથી  પાણી છોડવામાં આવતાં ઉકાઈ ડૅમમાં પાણીની આવક વધતાં અને રૂલ લેવલને પાર કરતાં ડૅમના ૧૩ દરવાજા ખોલીને ૧,૮૮,૭૯૨ ક્યુસૅક પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકા સહિતના વિસ્તારોને સચેત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાપી નદીનાં પાણી સુરત શહેરમાંથી બે કાંઠે વહેતાં થયાં હતાં. તાપી નદીમાં આવેલાં પાણીના પગલે રાંદેર વિસ્તારમાં આવેલો તાપી નદી પરનો કોઝવે બંધ કરાયો હતો.
સુરતના ફાયર વિભાગના ચીફ ફાયર ઑફિસર બી. કે. પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાપી નદીમાં પાણી આવ્યું છે એટલે સલામતીનાં કારણસર લો લાઇન એરિયા રાંદેર હનુમાન ટેકરી કોઝવે પાસે ડીવૉટરિંગ પમ્પ મૂકવામાં આવ્યા છે.’

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડૅમમાંથી છોડવામાં આવેલું પાણી.
બીજી તરફ મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશ ડૅમમાંથી ૧,૪૯,૩૭૫ ક્યુસૅક પાણી છોડવામાં આવતાં  તાપી જિલ્લામાં નિઝર અને કુકરમુંડા તાલુકા સહિતના વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી કિનારા પર આવેલાં ગામોને અલર્ટ કરાયાં હતાં અને લોકોને નદી કિનારે અવરજવર નહીં કરવા સચેત કરાયા હતા.

gujarat news surat Gujarat Rains