બાપ અને દીકરાની બે જોડી વિધાનસભામાં જોવા મળશે

21 December, 2012 03:55 AM IST  | 

બાપ અને દીકરાની બે જોડી વિધાનસભામાં જોવા મળશે



રશ્મિન શાહ


રાજકોટ, તા. ૨૧

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં લડતા રાદડિયા અને વાઘેલા પિતા-પુત્ર ઇલેક્શન જીત્યા છે. પિતા-પુત્રની એક જોડી વિધાનસભામાં હોય એવું અગાઉ બન્યું છે, પણ પિતા-પુત્રની બે જોડી વિધાનસભામાં જાય અને એ પણ બન્ને એક જ પક્ષની હોય એવું કદાચ ગુજરાતના રાજકારણમાં પહેલી વખત બન્યું છે. વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું હતું કે ‘દીકરો બાપના ધંધે જોડાય ત્યારે જેવો આનંદ થાય એવો આનંદ આજે થાય છે. દુકાને બાપ-દીકરો એક સ્કૂટરમાં જાય એમ હવે અમે સાથે ગાંધીનગર જઈશું અને કામ કરીશું.’

વિરોધીઓને ખોટા પાડ્યા


બાપ-દીકરાઓ વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા તથા શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવતાં કૉન્ગ્રેસના કાર્યકરોમાં વિરોધ પણ થયો હતો. જોકે આ વિરોધ વચ્ચે રાદડિયા અને વાઘેલાએ દીકરાઓને બેઠક જિતાડીને પુરવાર કર્યું હતું કે તેઓ બન્ને કિંગ નહીં, કિંગમેકર પણ છે.

ગઈ વિધાનસભામાં વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશ રાદડિયાને રાજકોટ (૧) બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી, પણ એ સમયે જયેશ રાદડિયા આ બેઠકના બીજેપીના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલ સામે હારી ગયા હતા. એ પછી ૨૦૦૯માં લોકસભા ઇલેક્શનમાં કૉન્ગ્રેસે વિઠ્ઠલ રાદડિયાને પોરબંદરમાં સંસદનું ઇલેક્શન લડાવતાં વિઠ્ઠલભાઈએ ધોરાજી બેઠક ખાલી કરી, જેના પર જયેશ રાદડિયા ધોરાજીની પેટાચૂંટણી જીત્યા હતા. આ વખતે જયેશ રાદડિયાને કૉન્ગ્રેસે જેતપુર બેઠક પરથી ટિકિટ આપી હતી, તો સામે બીજેપીએ જશુબહેન કોરાટને ટિકિટ આપી હતી. એમાં જયેશ રાદડિયા ૧૮,૦૩૩ મતે જીત્યા. આ જ ઇલેક્શનમાં જયેશના પપ્પા વિઠ્ઠલ રાદડિયા ધોરાજી બેઠક પર બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય હરિભાઈ પટેલ સામે ઇલેક્શન લડતા હતા, જેમાં તેઓ ૨૪,૯૪૩ મતે જીત્યા હતા.

બાપુ ગેલમાં

ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા, ઇલેક્શન કૅમ્પેન કમિટી અને ઇન્ડિયન ટૂરિઝમ કૉર્પોરેશનના ચૅરમૅન શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને સાબરકાંઠા જિલ્લાની બાયડ બેઠક પરથી કૉન્ગ્રેસે વિધાનસભા મેન્ડેટ આપ્યું હતું. સામે બીજેપીએ ઉદેસિંહ ઝાલાને ટિકિટ આપી હતી, જેમાં મહેન્દ્રસિંહ વાઘેલા ૩૫,૯૨૩ મતે જીત્યા હતા. શંકરસિંહ વાઘેલા ગઈ વિધાનસભામાં ઇલેક્શન લડ્યા નહોતા, પણ આ વખતે પાર્ટીના આદેશથી તેઓ કપડવંજ વિસ્તારમાંથી ઇલેક્શન લડ્યા હતા અને કપડવંજના સ્થાનિક આગેવાન બીજેપીના કનુભાઈ ડાભી સામે ૬૫૯૭ મતે જીત્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે મહેન્દ્રને તેની ક્ષમતા પરથી ટિકિટ આપવામાં આવી હતી, જે આજના આ રિઝલ્ટ પરથી પુરવાર થયું એની ખુશી વધુ છે.’

બે ભાઈઓ પણ જીત્યા

બાપ-દીકરાની જેમ ગઈ કાલે થયેલા કાઉન્ટિંગમાં હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી એમ બે સગા ભાઈઓ ઇલેક્શનમાં જીત્યા હતા. હીરાભાઈ સોલંકીને બીજેપીએ અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પરથી ટિકિટ આપી હતી, જ્યારે પુરુષોતમ સોલંકીને ભાવનગર (ગ્રામ્ય) બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. હીરાભાઈ ગઈ કાલે ૧૮,૭૧૦ મતે જીત્યા હતા, જ્યારે મોટા ભાઈ પુરુષોતમ સોલંકીએ ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને ૧૮,૫૫૪ મતે હરાવ્યા હતા. રાદડિયા-વાઘેલા પિતા-પુત્રની જોડીની જેમ હવે આ ભાઈઓની જોડી પણ ગાંધીનગર વિધાનસભામાં સાથે બેસશે. જોકે ભાઈઓની આ જોડી ગઈ ટર્મમાં પણ વિધાનસભામાં બેઠી હતી.