ટેરેસ પર લગાવી શકાય એવી સોલર ટાઇલ્સ બનાવી

12 January, 2024 09:06 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રદર્શિત કરાયેલી આ સોલર ટાઇલ્સ પર તમે ઊભા રહી શકો છો, કૂદી પણ શકો છો અને હા, એ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવાઈ છે

સોલર ટાઇલ્સ

આ ગુજરાતીના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના ઇનોવેશન પર કરો ગર્વ

અમદાવાદ : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગાંધીનગરના ગ્રૉઇંગ સ્ટાર્ટઅપ યુવકે વિકસાવેલી સોલર ટાઇલ્સ પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શિત કરાયેલી આ સોલર ટાઇલ્સ પર તમે ઊભા રહી શકો છો, કૂદી શકો છો, એટલું જ નહીં, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને કૅપ્ચર કરીને શુદ્ધ ઑક્સિજન આપતું ઑક્સિજન જનરેટર પણ વિકસાવ્યું છે જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સેમિનાર હૉલમાં મુકાયું છે.

ગાંધીનગરમાં રહેતા અને ઇમૅજિન પાવર ટ્રી નામનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર હર્ષ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેસ્ટ પ્લાસ્ટિકમાંથી મેં સોલર ટાઇલ્સ બનાવી છે. ટેરેસ પર તમે ચાઇના મોઝેઇકની જેમ આ સોલર ટાઇલ્સ લગાવી શકો છો. આ ટાઇલ્સ પર તમે ચાલી શકો છો. એક ટાઇલ્સ ૧૫ કિલો વજનની છે. આ ટાઇલ્સ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવાઈ છે. પ્લાસ્ટિક મટીરિયલ પર ત્રણ લેયર છે; જેમાં સર્કિટ લેયર, એના પર ગ્લાસ લેયર અને એના પર ટફન ગ્લાસ મુકાયા છે, જેનાથી એની સ્ટ્રેંગ્થ મજબૂત રહે છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી આ ટાઇલ્સ બનાવી હોવાથી ટેરેસ પરથી પાણી લીક થતું નથી. આખા દિવસમાં એક ટાઇલ્સ ૧૮ વૉટ વીજળી ઉત્પન્ન કરે છે. આ ટાઇલ્સનું ટેસ્ટિંગ થયું છે અને એનું સર્ટિફિકેશન બાકી છે. આ મેડ ઇન ઇન્ડિયા ટાઇલ્સ છે અને એ ગાંધીનગરમાં જ બનાવાઈ છે.’

તેમણે કહ્યું કે ‘આ સોલર ટાઇલ્સ ઉપરાંત સોલર ટ્રી પણ બનાવ્યાં છે તેમ જ ઑક્સિજન જનરેટર પણ બનાવ્યું છે. ઇન્ડોર એરિયામાં જ્યાં પ્લાન્ટ ન હોય એવાં સ્થળોએ આ ઑક્સિજન જનરેટર મૂકવામાં આવે તો એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને કૅપ્ચર કરીને  વાતાવરણમાં શુદ્ધ ઑક્સિજન આપે છે. આવાં ઑક્સિજન જનરેટર 
મહાત્મા મંદિરના કેટલાક સેમિનાર હૉલમાં મુકાયાં છે.’ 

gujarat news national news gandhinagar ahmedabad