વીડિયોમાં જુઓ વાયુની ભયાનક અસર, ક્યાંક બાકડો ઉડ્યો, ક્યાંક ટાવર પડ્યું

13 June, 2019 07:37 PM IST  |  રાજકોટ

વીડિયોમાં જુઓ વાયુની ભયાનક અસર, ક્યાંક બાકડો ઉડ્યો, ક્યાંક ટાવર પડ્યું

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારેથી દૂર જઈ રહ્યું છે. વાયુનો ખતરો ધીમે ધીમે ગુજરાત ઓછો થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં વાયુની અસરના કારણે ફૂલ સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાવનગરના એક રેલવે સ્ટેશન પર એટલી ઝડપે પવન ફૂંકાયો કે લોખંડનો બાકડો ઉડ્યો, તો પોરબંદરમાં પવનની ગતિને કારણે મોબાઈલનું ટાવર ધરાશાયી થઈ ગયું.

વાયું વાવાઝોડું તો ગુજરાતના બદલે ઓમાન તરફ ફંટાયું છે. આગોતરી તૈયારીના કારણે અને વાવાઝોડું ફંટાવાને કારણે ગુજરાત મોટી આફતમાંથી ઉગરી ગયું છે. મોટી જાનહાનિ ટળી છે. જો કે જતા જતાં પણ વાવાઝોડું પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતું ગયું છે. ભાવનગરમાં એટલી ઝડપે પવન ફૂંકાયો કે સ્ટેશનનો બાકડો જ ઉડી ગયો. મળતી માહિતી પ્રમાણે ભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશન પર લોખંડનો બાકડો ઉડીની રેલવે ટ્રેક પર જઈને પડ્યો. આ પ્રકારની ઘટનાઓને કારણે રેલવે દ્વારા આ વિસ્તારની ટ્રેનો બંધ કરવામાં આવી છે.

જુઓ વીડિયો

તો પોરબંદરમાં પણ મોબાઈલ ટાવર ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મોબાઈલ ટાવર જમીન દોસ્ત થતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં એક મોબાઈલ ટાવર ઈમારત પર પડતું દેખાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પોરબંદરના માધવપુર વિસ્તારની છે, જ્યાં મુખ્ય બજારમાં બંધ વાયરલેસ ટાવર ધરાશાયી થતા એક મકાનને નુક્સાન પહોંચ્યું છે.

જુઓ વીડિયો

તો ગીર સોમનાથમાં પણ વાયુ વાવાઝોડાનો પ્રકોપ જોવા મળ્યો છે. ગુજરાતના દરિયાકિનારેથી પસાર થયું હોવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં જબરજસ્ત પવન ફૂંકાયો અને વરસાદ પડ્યો. જેને કારણે ગીર સોમનાથમાં 30થી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા. કોડીનારના માઢવાડ ગામે 30 પરિવારોનો આશરો વાયુ વાવાઝોડું છીનવી ગયું.

જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. અને હવે ગુજરાત પર તેની અસર ધીમે ધીમે ઓછી થવાની છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજીય વાવાઝોડાની અસર 48 કલાક સુધી વર્તાઈ શકે છે.

gujarat bhavnagar porbandar news