વડોદરાની આ બહાદુર ગર્લને મળશે બ્રેવરી અવૉર્ડ

11 December, 2014 05:47 AM IST  | 

વડોદરાની આ બહાદુર ગર્લને મળશે બ્રેવરી અવૉર્ડ


વડોદરાની નવમા ધોરણમાં સ્ટડી કરતી ૧૩ વર્ષની ઝીલ મરાઠેને પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નૅશનલ બ્રેવરી અવૉર્ડથી સન્માનિત કરશે. વડોદરાના કારેલીબાગ વિસ્તારની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી ઝીલ મરાઠે સ્કૂલ તરફથી પિકનિકમાં ગઈ હતી, ત્યારે થયેલા અકસ્માતમાં તેણે ત્રણ સ્કૂલફ્રેન્ડ્સને બચાવ્યા હતા. આ બહાદુરી માટે ઝીલ મરાઠેનું સન્માન કરવામાં આવશે.

ઝીલ મરાઠેના પિતા જિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ઑફ ઇન્ડિયન કાઉન્સિલ ફૉર ચાઇલ્ડ વેલ્ફેર તરફથી મોકલાયેલો એક પત્ર અમને મળ્યો છે. ૨૦૧૪ના નૅશનલ બ્રેવરી અવૉર્ડ માટે મારી પુત્રીની પસંદગી થઈ હોવાનું એ પત્રમાં જણાવવામાં આવ્યું છે. ઝીલ મરાઠેની બહાદુરીનો કિસ્સો વર્ણવતાં જિતેન્દ્રભાઈએ કહ્યું હતું કે મારી દીકરી આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જાંબુઘોડા વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં સ્કૂલ-પિકનિક પર ગઈ હતી. વડોદરા પાછા ફરતી વખતે સ્કૂલ-બસને અકસ્માત નડ્યો હતો અને બસ રસ્તા પરથી ઊતરી ગઈ હતી. એ અકસ્માતમાં બેભાન થઈ ગયેલા પોતાના ત્રણ દોસ્તોને તત્કાળ તબીબી સહાય આપીને ઝીલ સભાન-અવસ્થામાં લાવી હતી.

વડોદરાના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલમાં યોગનો અભ્યાસ કરતી ઝીલે જણાવ્યું હતું કે મેં ગભરાયા વિના તાકીદે મારા ફ્રેન્ડ્સના શ્વાસોશ્વાસ ફરી ધમધમતા કરીને એમને બચાવી લીધા હતા. એમનો જીવ બચાવીને હું હૅપી છું.