સુરતમાં બીજેપીએ સપાટો બોલાવ્યો

21 December, 2012 05:46 AM IST  | 

સુરતમાં બીજેપીએ સપાટો બોલાવ્યો



લિંબાયત બેઠક પરથી બીજેપીએ સંગીતા પાટીલને ટિકિટ આપતાં ભારે હોબાળો મચ્યો હતો. એમ છતાં તે કૉન્ગ્રેસના સુરેશ સોનવણેને ૩૦,૩૨૧ મતથી હરાવવામાં સફળ થઈ હતી. તે મૂળ નંદુરબારના શહાદાની વતની છે.

મજૂરા વિસ્તારમાં બીજેપીએ યુવા મોરચાના હર્ષ સંઘવીને ટિકિટ આપી હતી. ૨૭ વર્ષનો હર્ષ સંઘવી સૌથી યુવાન ઉમેદવાર હતો. તે પણ પોતાના હરીફ કૉન્ગ્રેસના ઉમેદવાર ગણપત જૈનને હરાવવામાં સફળ થયો હતો.

વરાછામાં લક્ષ્મી ડાયમન્ડવાળા ધીરુભાઈ ગજેરાને ૨૦,૩૫૯ મતથી હરાવી બીજેપીના કુમાર કાનાણી વિજયી બન્યા હતા.

સુરત-પૂર્વમાં રણજિત ગિલિટવાળાએ કૉન્ગ્રેસના કાદિર પીરઝાદાને ૧૫,૭૮૯ મતથી હરાવ્યા હતા.

કતારગામ વિધાનસભા મતવિસ્તારમાં બીજેપીના નાનુભાઈ વાનાણીએ કૉન્ગ્રેસના નંદલાલ પાંડવને ૪૩,૨૭૨ મતથી હરાવ્યા હતા.

ઉધનામાં રાજ્યના પ્રધાન નરોત્તમ પટેલે કૉન્ગ્રેસના ધનસુખ રાજપૂતને ૩૨,૭૫૪ મતથી હરાવ્યા હતા.

સુરત-પશ્ચિમની બેઠક પણ કિશોર વાંકાવાળાએ કૉન્ગ્રેસનાં ઉષા પટેલને ૬૯,૭૩૧ મતોથી હરાવ્યાં હતાં.

કૉન્ગ્રેસના કાર્યકરોના મતે આ સંગઠનની હાર છે. કૉન્ગ્રેસના નેતા તુષાર ચૌધરીએ પૈસા લઈને ટિકિટ આપી હતી એવા આક્ષેપો પણ જેમને ટિકિટ નહોતી મળી એવા ઘણા ઉમેદવારોએ લગાવ્યા હતા. પરિણામે તેઓ કૉન્ગ્રેસતરફી ચૂંટણીપ્રચારથી અળગા રહ્યા હતા. કેટલીક જગ્યાએ તો તેમણે પોતાના જ ઉમેદવારને હરાવવાના પ્રયત્નો પણ કર્યા હતા. કૉન્ગ્રેસના પ્રમુખ તથા અન્ય મોટા નેતાઓની હારને લઈને પણ કૉન્ગ્રેસના કાર્યકરોમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. તેમનું કહેવું હતું કે જો કહેવાતા મોટા નેતાઓ પોતાની સીટ બચાવી ન શકતા હોય તો ગુજરાતમાંથી બીજેપી કે નરેન્દ્ર મોદીને કેવી રીતે હરાવી શકશે? જોકે તેઓ આ વખતે તેમની પ્રચારની પદ્ધતિથી ઘણા ખુશ હતા. જોકે આ પ્રચાર લોકોના ગળે ઉતારવામાં ભલે તેઓ નિષ્ફળ ગયા હતા એ વાત અલગ છે.