શિવજીનાં પેઇન્ટિંગ્સમાં ચિત્રકારની જબરદસ્ત ગુસ્તાખી

29 December, 2012 06:00 AM IST  | 

શિવજીનાં પેઇન્ટિંગ્સમાં ચિત્રકારની જબરદસ્ત ગુસ્તાખી



વડોદરાની જગવિખ્યાત મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ ગૅલેરીમાં ત્રણ દિવસ માટે રાખવામાં આવેલું પેઇન્ટિંગ એક્ઝિબિશન ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે શરૂ થયું અને માત્ર વીસ જ મિનિટમાં યુનિવર્સિટીના સંચાલકોએ આ એક્ઝિબિશન બંધ કરાવી દેવું પડ્યું. આટલું જ નહીં, યુનિવર્સિટીએ એક્ઝિબિશન જેણે ઑર્ગેનાઇઝ કર્યું હતું એ પેઇન્ટર સુરપાલ સિંહ સામે પોલીસમાં ફરિયાદ પણ કરી. સુરપાલ સિંહે ભગવાન શિવનાં અલગ-અલગ રૂપ દેખાડ્યાં હતાં, જેમાં તેમને શરાબી અને કામોત્તેજક પણ ચીતરવામાં આવ્યા હતા. સુરપાલ સિંહે કહ્યું હતું કે ‘મારો હેતુ કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. મેં તો આજના આ યુગને અને ભગવાન શિવને જોડવાનો એક પ્રયાસ કર્યો હતો.’

એક્ઝિબિશનમાં ભગવાન શિવનાં બાવીસથી વધુ પેઇન્ટિંગ રાખવામાં આવ્યાં હતાં; જેમાં બાઇક પર પાર્વતી સાથે ફરવા નીકળેલા શિવથી લઈને ગાર્ડનમાં પાર્વતી સાથે કામોત્તેજક થયેલા શિવ, શરાબનું સેવન કરતા શિવ જેવાં પેઇન્ટિંગ પણ હતાં. આ પેઇન્ટિંગ જોઈને જ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ભડકી ગયા હતા અને તેમણે તોડફોડ શરૂ કરી હતી. જોકે એ પછી તરત જ એક્ઝિબિશન બંધ કરાવી દેવામાં આવતાં મામલો સચવાઈ ગયો હતો.