વડોદરામાં Pokemon Go રમવા પર પ્રતિબંધ

22 August, 2016 09:02 AM IST  | 

વડોદરામાં Pokemon Go રમવા પર પ્રતિબંધ


અલ્કેશ વ્યાસ

વડોદરા : તા, 22 ઓગષ્ટ

વડોદરાના સયાજીબાગમાં આવેલા મ્યુઝિયમ અને સ્ટેશન વિસ્તારમાં આવેલા સિટી બસસ્ટોપ પર મોબાઈલ ફોન ઉપર પોકેમોન ગો નામની ગેમ રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મ્યુઝિયમ તથા સિટી બસ સ્ટોપના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ બંને વિસ્તારો પોકેમોન ગો રમનારા લોકો માટે પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવ્યો છે અને અહીં મોબાઈલ ઉપર આ ગેમ રમતા કોઈ પકડાશે તો તેની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નિયમનું ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવાની તંત્રની ચિમકી


વડોદરા શહેરના સયાજીબાગમાં આવેલા ગાયકવાડી મ્યુઝિયમમાં આવનારા વિઝીટર્સ પૈકીના કેટલાક મોબાઈલ ફોન ઉપર પોકેમોન ગો નામની ગેમ રમતા જોવા મળ્યા હતા. તેઓ ગેમ રમતા-રમતાં મ્યુઝિયમના અત્યંત પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી જતા હતા. ઉપરાંત, તેઓ મ્યુઝિયમની બહારના વિસ્તારમાં આવેલા ઉંચા ઘાસમાં પણ ચાલતા હતા. આ વિસ્તારમાં સાપ અને અન્ય ઝેરી જાનવરોનો ભય રહેલો છે જેથી મ્યુઝિયમની અંદર તથા બહારના વિસ્તારમાં મોબાઈલ ઉપર પોકેમોન ગો રમવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

બીજી તરફ વડોદરાના સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા વિટકોસ બસ સ્ટોપ પાસે પણ પોકેમોન ગો રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિટકોસના અધિકારીઓ જણાવે છે કે, ટ્રાફિકથી ભરચક રહેલા સિટી બસ સ્ટોપ વિસ્તારમાં પોકેમોન ગો રમવામાં તલ્લીન થયેલા લોકો ઉપર અકસ્માતનો ભય તોળાતો રહે છે. જેથી આ વિસ્તારમાં મોબાઈલ ઉપર પોકેમોન ગો રમવા પર પ્રતિબંધ લદાયો છે.