વરવધૂએ સપ્તપદી પહેલાં નેત્રદાન, દેહદાન ને અંગદાનની પ્રતિજ્ઞા લીધી

01 December, 2014 06:29 AM IST  | 

વરવધૂએ સપ્તપદી પહેલાં નેત્રદાન, દેહદાન ને અંગદાનની પ્રતિજ્ઞા લીધી




રશ્મિન શાહ

વડોદરામાં રહેતા લેઉવા પટેલ જ્ઞાતિના ડૉ. આર. બી. દેશાણીની ડૉક્ટર દીકરી ધ્વનિનાં મૅરેજ ગઈ કાલે ડૉક્ટર જય પંડ્યા સાથે થયાં, જેમાં લગ્નની તમામ વિધિઓ અને સપ્તપદી શરૂ થાય એ પહેલાં વરવધૂએ રક્તદાન કર્યું તો આ રક્તદાન પછી રાખવામાં આવેલી વરવધૂની રક્તતુલા માટે પ્રસંગમાં આવેલા ૩૪૨ સગાંસંબંધીઓએ પણ રક્તદાન કર્યું અને વરવધૂની રક્તતુલા કરવામાં આવી. મજાની વાત એ છે કે આ રક્તતુલા માટે જે બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું એમાં પરિવારના સભ્યો ઉપરાંત ડૉ. આર. બી. દેશાણી જે એક સંસ્થા સાથે જોડાયેલા છે એ સંસ્થાના ૧૦૧ મુસ્લિમ યુવકોએ પણ રક્તદાન કર્યું તો મુસ્લિમ યુવકો ઉપરાંત સિખ, હિન્દુ, ક્રિશ્ચિયન, જૈન ધર્મના યુવકોએ પણ રક્તદાન કર્યું. રક્તદાન અને રક્તતુલા ઉપરાંત લગ્નની વિધિ પહેલાં વરવધૂએ દેહદાન, નેત્રદાન, ઑર્ગન ડોનેશનની પણ પ્રતિજ્ઞા લીધી અને એ માટે લીગલી ફૉર્મ પણ ભર્યું તો જાન અને માંડવામાં હાજર રહેલા તમામ સ્નેહીજનોને પણ આ કામ કરવા માટે પ્રેરણા આપી, જેને કારણે ૬૭ લોકોએ નેત્રદાન, ૩૫ લોકોએ દેહદાન અને ૧૬ લોકોએ ઑર્ગન ડોનશન કર્યા. પારિવારિક પ્રસંગને સામાજિક પ્રસંગ બનાવીને એકસાથે રક્ત, દેહ, નેત્ર અને અંગદાન જેવાં ચાર-ચાર દાન કરવાનો પ્રસંગ અગાઉ ક્યારેય ગિનેસ બુકમાં કે લિમ્કા બુકમાં નોંધાયેલો નહીં હોવાથી હવે ગિનેસ બુક અને લિમ્કા બુક આ પ્રસંગને રેકૉર્ડ તરીકે પણ સમાવવાની છે અને એ માટે ઑફિશ્યલ એન્ટ્રી સ્વીકારી પણ લીધી છે. ડૉ. દેશાણીએ કહ્યું હતું ‘છેલ્લાં સાત વર્ષમાં આ અમારો પાંચમો પ્રસંગ છે કે જેમાં અમે રક્તદાનને સમાવ્યું હોય. હા, આ પાંચમા પ્રસંગમાં અન્ય દાનોને પણ અમે સામેલ કર્યા અને એ માટે સગાંવ્ાહાલાઓને સમજાવ્યાં પણ ખરાં.’

લોહી સૌનું એક


ડૉ. ધ્વનિ અને ડૉ. જયનાં લવ કમ અરેન્જ મૅરેજ છે. જય બ્રાહ્મણ જ્ઞાતિનો છે. તેમનાં આ મૅરેજ સામે કોઈએ વિરોધ કર્યો નહોતો. ડૉ. દેશાણીએ પ્રેમપૂર્વક બન્નેના સંબંધો સ્વીકારીને તેમનાં મૅરેજ કરાવી આપ્યાં હતાં. સંબંધો સ્વીકારવાની બાબતમાં પણ દેશાણીએ લોહીને જ મહત્વનું ગણ્યું હતું. ડૉ. દેશાણીએ કહ્યું હતું, ‘ધર્મ, જ્ઞાતિ કે સમાજ કોઈ પણ હોય પણ સૌના લોહીનો રંગ એક જ હોય છે, લાલ. જો આ રંગને સ્વીકારી લેવામાં આવે તો ધર્મ બહુ ગૌણ બની જાય છે અને માનવધર્મનું મહત્વ સમજાતું હોય છે.’

સાત પ્રતિજ્ઞા સમાજની મૅરેજની કંકોતરી સાથે બ્લડ ડોનેશનના પ્રચાર માટેની પત્રિકા અને સપ્તપદીના સાત ફેરામાં લેવામાં આવનારા શપથની વિગત પણ આપવામાં આવી હતી.

ધ્વનિ અને જયના મંગળફેરા સમયે જ્યારે સપ્તપદી શરૂ થઈ ત્યારે તે બન્નેએ ધાર્મિક રીતે તો ફેરા લીધા જ હતા અને પતિ-પત્ની તરીકે તો એકબીજા માટે જે કોઈ પ્રતિજ્ઞા લેવાની હતી એ લીધી હતી, પણ તે બન્નેએ દરેક ફેરાની સાથે એક સામાજિક પ્રતિજ્ઞા પણ લીધી હતી. સાત ફેરા દરમ્યાન લેવામાં આવેલી એ સાત પ્રતિજ્ઞામાં દર વર્ષે ત્રણ વાર રક્તદાન કરવું, બેટી બચાવો અભિયાનમાં પોતાનાથી જે કંઈ શક્ય બને એ ઉત્તરદાયિત્વ આપવું, અનાથ બાળકને દત્તક લેવું, વ્યસનને ક્યારેય આધીન ન થવું અને આધીન હોય તેવા લોકોને વ્યસનમુક્તિ માટે સમજાવવાનું અભિયાન શરૂ કરવું, દર વર્ષે બે વાર ગામડામાં જઈને ગ્રામસેવા કરવી, વર્ષે ચાર ઝાડ વાવવાં અને એનો ઉછેર કરવો તથા નેત્રદાન કરવું અને કરાવવા માટે પ્રેરણા આપવાનો સમાવેશ થાય છે.