06 July, 2023 11:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વડોદરાના અલકાપુરી ગરનાળામાં ભરાયેલાં વરસાદી પાણી.
મધ્ય ગુજરાતના વડોદરામાં માંડ એક ઇંચ જેટલા વરસાદમાં અલકાપુરી ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું અને વડોદરાવાસીઓ ધોધમાર વરસાદી ઝાપટાને કારણે હેરાન-પરેશાન થયા હતા. બીજી તરફ સાંજે છ વાગ્યા સુધીમાં વડોદરા સહિત ગુજરાતના ૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં નવસારી જિલ્લાના જલાલપોરમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
ગઈ કાલે બપોરે વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે રેલવે સ્ટેશન પાસે અલકાપુરી ગરનાળામાં ઢીંચણસમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાતાં વાહનવ્યવહાર બંધ થયો હતો. જેને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ પરથી જવું પડ્યું હતું. વડોદરામાં સાંજે ૬ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડતાં દાંડિયાબજાર, રાવપુરા, સયાજીગંજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં ગુજરાતના ૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ અને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ઉના, સંખેડા, હાલોલ, ઝાલોદ, નડિયાદ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ નવસારી, વલસાડ, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, ખેડા, સુરત, અમરેલી, વડોદરા, આણંદ, પોરબંદર, ભરૂચ, ભાવનગર જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.