વડોદરા : એક્ઝામ ઈફેક્ટ, 28 દિવસમાં 6 વિદ્યાર્થીઓનો આપઘાત

21 March, 2019 05:12 PM IST  |  વડોદરા

વડોદરા : એક્ઝામ ઈફેક્ટ, 28 દિવસમાં 6 વિદ્યાર્થીઓનો આપઘાત

પ્રતીકાત્મક તસવીર

બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ફરી એકવાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. દર વર્ષે સારા માર્ક્સના દબાણ હેઠળ વિદ્યાર્થીઓ આપઘાત કરે તેવા કિસ્સા સામે આવતા જ હોય છે. આ વખતે વડોદરામાં માત્ર 28 દિવસમાં 6 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવી દીધુ છે. આત્મહત્યા કરી જીવન ટૂંકાવનાર વિદ્યાર્થીઓમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સહિત 8મા ધોરણના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.

એસ.એસ.સી બોર્ડની પરીક્ષા મંગળવારે પૂરી થઈ અને પરીક્ષામાં નાપાસ થવાનો ભય કે ઓછા ટકા આવવાના ભયે વિદ્યાર્થિનીએ ગળે ફાંસી ખાઈ જીવન ટૂંકુ કર્યું. આ ઘટના સાથે જ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ એક ઉમેરાતાં મરણાંક 5થી વધુ થયો છે અને આ મરણાંક માત્ર છેલ્લાં 28 દિવસનો છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે કાજલ આર્યકન્યા વિદ્યાલયમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે પરીક્ષા દરમિયાન પેપર સારુ ન જવાથી તે ઉદાસ હતી. પેપર સારુ ન ગયું હોવાની વાત અન્ય કોઈને ન કરી શકી હોવાથી તે જ ચિંતામાં ને ચિંતામાં તેણે છતના હુક સાથે સાડી બાંધીને ફાંસો આપી જીવન ટૂંકાવ્યું હોવાની શક્યતા છે. જો કે પરીક્ષા દરમિયાન પેપર વિશે તેણે પરિવારમાં કોઈ જ વાત કરી નહોતી. બુધવારે બપોરે ઘરે તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.

આ પણ વાંચો : રાજ્યના 26 સાંસદો ચૂંટવા પાછળ થશે 395 કરોડ રૂપિયાનો ખર્ચ

મળતી માહિતી મુજબ છેલ્લા 28 દિવસમાં આત્મહત્યા કરી જીવન ટૂંકુ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 6 થઈ છે જેમાં ધોરણ 12ની વિદ્યાર્થિની યક્ષા પ્રજાપતિ, ધોરણ 12 સાયન્સમાં ભણતો અદ્વૈત સલાટ, ધોરણ 12નો વિશાલ પરમાર, ધોરણ 10ના ગણિતના પેપરમાં નાપાસ થવાના ડરે અભિષેક પરમારે તો ધોરણ 8માં નાપાસ થવાના ભયે નેહલ રબારી અને ધોરણ 10ની વિદ્યાર્થિની કાજલ તડવીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

vadodara gujarat baroda