કચ્છ પર ક્યાર વાવાઝોડાની અસર વચ્ચે દરિયામાં મહા વાવાઝોડું કેન્દ્રિત થયુ

30 October, 2019 08:31 AM IST  |  ભુજ | ઉત્સવ વૈદ્ય

કચ્છ પર ક્યાર વાવાઝોડાની અસર વચ્ચે દરિયામાં મહા વાવાઝોડું કેન્દ્રિત થયુ

ક્યાર વાવાઝોડુ

કચ્છમાં દીપોત્સવી પર્વના તહેવાર હેમખેમ પૂરા થયા બાદ આજે સાંજથી આ સરહદી જિલ્લાનું હવામાન અચાનક પલટાયું છે અને કેટલાક કાંઠાળ વિસ્તારોમાં કમોસમી વરસાદનાં હળવાં ઝાપટાં નોંધાયાં છે. અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું ક્યાર વાવાઝોડું અખાતી દેશોના સાગરકાંઠા તરફ પહોંચી રહ્યું છે અને એનો માર્ગ કચ્છના મુન્દ્રા-માંડવીના દરિયા પાસેથી પસાર થતો હોઈ સોમવારની મોડી રાત્રિથી કચ્છમાં ભારે પવનો ફૂંકાવા શરૂ થયા હતા અને ઉત્તર દિશામાં વીજળીના ચમકારા અને મેઘગર્જનાથી જાણે ક્યાર વાવાઝોડાએ કચ્છ નજીકના અરબી સમુદ્રમાં એની હાજરી હોવાની પ્રતીતિ લોકોને કરાવી હતી. સોમવારે મોડી રાત્રે આ વાવાઝોડાની અસર હેઠળ મુન્દ્રામાં ઝાપટાં પડ્યાં હતાં, જ્યારે આજે પણ અચાનક પલટાયેલા હવામાનની સાથે ભુજ સહ‌િત કચ્છના અન્ય ભાગોમાં સમી સાંજે ભારે પવન સાથે હળવાં ઝાપટાં થોડી મિનિટો માટે નોંધાયાં હતાં.

દરમ્યાન આ લખાય છે ત્યારે કચ્છભરમાં કયાર વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. મળતા સંકેતો પ્રમાણે ઓમાન તરફ ઝડપભેર આગળ વધી રહેલું આ વાવાઝોડું હવે ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદના પુર્વ પોલીસ કમિશનર એ.કે. સિંહે NSG ના ડીજીનો ચાર્જ સંભાળ્યો

મહા સાઇક્લોન 

લાંબા ચોમાસા બાદ કચ્છમાં જ્યારે શિયાળાનું આગમન થઈ ગયું છે ત્યારે એક તરફ કચ્છ હજી ક્યાર વાવાઝોડાની અસર હેઠળ જ છે ત્યારે બંગાળની ખાડીમાં એક નવું હવાનું દબાણ કેન્દ્રિત થવા પામ્યું છે, જે ચક્રવાતમાં ફેરવાશે. આ વાવાઝોડાને મહા નામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ મહા વાવાઝોડું પણ ક્યાર વાવાઝોડાના રૂટ પરથી જ પસાર થશે અને એ યમન અથવા ઓમાનના કાંઠે ટકરાશે. આ વાવાઝોડું પણ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશાએ આગળ વધી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં પહોંચશે જ્યાં એ શક્તિશાળી વાવાઝોડું બની જશે. કચ્છની જળસીમા નજીક આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ક્યાર પછી આવી રહેલા મહા વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીનાં પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

kutch gujarat bhuj