કચ્છ તરફડે છે : સેંકડો ઢોરનાં મોત

01 April, 2019 08:23 AM IST  |  કચ્છ | ઉત્સવ વૈદ્ય

કચ્છ તરફડે છે : સેંકડો ઢોરનાં મોત

દુકાળ

લોકસભાની ચૂંટણીના પ્રચારમાં રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો દોડધામ કરી રહ્યા છે અને આ સરહદી જિલ્લાનું વહીવટી તંત્ર એની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ કચ્છમાં ચાલુ વર્ષનો દુકાળ દારુણ બની રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકામાં ન પડ્યો હોય એવો આ દુકાળ છે અને જ્યારે હવે રણપ્રદેશની તાસીર સમા કાળઝાળ ઉનાળાનો અગ્નિપરીક્ષા સમો સમય શરૂ થઈ ચૂક્યો છે ત્યારે કચ્છના ખાસ કરીને અબડાસા, લખપત અને બન્ની પ્રદેશમાંથી હિજરત શરૂ થઈ ચૂકી છે અને બન્ની પ્રદેશનાં કેટલાંક ગામો સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યાં છે. આ ગામોમાં માત્ર મસ્જિદના મુંજવરના પરિવાર સિવાય અન્ય બીજું કોઈ નથી દેખાતું. પીવાના પાણીનું ટીપુંયે મળવું મુશ્કેલ છે. ઘાસનું તણખલું શોધ્યું જડતું નથી. ગુજરાતના સૌથી મોટા બન્નીનાં ઘાસિયા મેદાનોમાં ઘાસ માટે માલધારીઓ ટળવળી રહ્યા છે અને તેમણે નાછૂટકે કચ્છથી અન્યત્ર હિજરત કરવી પડી રહી છે. હિજરત માટે ટ્રક ભાડે કરવી પડે છે જેનું ભાડું ૧૫,૦૦૦ રૂપિયા જેટલું થાય છે. જેમની પાસે આ સગવડ નથી તેવા માલધારીઓ પોતાના પશુધન સાથે આમતેમ રઝળપાટ કરી રહ્યા છે.

બન્ની પ્રદેશના નાના સરાડા ગામની મુલાકાત લીધી ત્યારે ગામમાં એક પણ માણસ નજરે પડ્યો નહોતો. શોધખોળને અંતે સાદિક યાકુબ નામના એક મુંજાવરની ભાળ મળી હતી. સાદિક યાકુબના જણાવ્યા પ્રમાણે નાના સરાડાના માલધારીઓ પોતાના પશુધન સાથે હિજરત કરી ગયા છે. ગામમાં પાણી જ નથી. બન્નીના નાના સરાડા ગામની વસ્તી ૧૫૦૦ જેટલી છે. અહીંના પશુપાલકો છેક અમદાવાદ નજીકના સાણંદ સુધી પહોંચી ગયા છે. સરકાર પાસે અનેક રજૂઆતો કરવા છતાં ઢોરવાડા ખોલવાની જાહેરાત કરાયા પછી છેક બે મહિને બન્નીમાં ઢોરવાડો શરૂ કરાયો હતો, પણ એ પહેલાં જ માલધારીઓ સ્થળાંતર કરી ગયા હતા. કચ્છમાં અત્યાર સુધી સેંકડો ઢોરોનાં મોત થયાં છે. કચ્છમાં પશુઓની સંખ્યા વીસ લાખ જેટલી છે. હવે આકરો ઉનાળો શરૂ થવાની સાથે જ કચ્છમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે આગામી ત્રણ માસ કચ્છના પશુપાલકો માટે કપરા રહેશે એમ પશુપાલકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : કઈ વાતે વિજય રૂપાણીની મનની મનમાં રહી ગઈ?

રાજકીય આગેવાનો અને વહીવટી તંત્ર સમગ્ર રીતે ઇલેક્શન મોડમાં છે ત્યારે લોકોની યાતનાની અનુભૂતિ તેમને થતી નથી એમ ધોળાવીરાના મહેશ કોળીએ જણાવ્યું હતું.

kutch gujarat