અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના મુદ્દે વિધાનસભામાં હંગામો

11 March, 2023 11:21 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના વિધાનસભ્યો બીજેપીના વિધાનસભ્યોને મોહનથાળ ખવડાવવા માટે લાવ્યા

અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના મુદ્દે વિધાનસભામાં હંગામો

અંબાજીઃ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયને લઈને ભક્તો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ મુદ્દે ગઈ કાલે ગુજરાત-વિધાનસભામાં પણ હંગામો મચ્યો હતો. કૉન્ગ્રેસના વિધાનસભ્યો તો બીજેપીના વિધાનસભ્યોને મોહનથાળ ખવડાવવા માટે લાવ્યા હતા. જોકે આ વિવાદ આટલેથી શમ્યો નથી. બીજેપીના વિધાનસભ્યોએ એ મોહનથાળની ફૉરેન્સિક તપાસ કરવાની ડિમાન્ડ કરી હતી. કૉન્ગ્રેસના વિધાનસભ્યો અંબાજીમાં પ્રસાદના મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરવાની માગણી કરી રહ્યા છે. જેના માટે ના પાડવામાં આવતાં આ વિધાનસભ્યોએ વૉકઆઉટ કર્યું હતું. હવે આ વૉકઆઉટ કરનારા વિધાનસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વિપક્ષે આરોપ મૂક્યો છે કે હિન્દુ ધર્મના નામે રાજ્ય સરકાર લોકોની આસ્થા સાથે રમત રમી રહી છે. કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે ‘આજે અંબાજીમાં પ્રસાદ બદલવામાં આવ્યો છે. કાલે સોમનાથનો બદલશે, પછી દ્વારકાનો બદલશે. આ મામલે ચર્ચા કરતાં પણ અમને રોકવામાં આવ્યા છે.’

વિધાનસભાની બેઠકમાં પ્રશ્નકાળ બાદ કૉન્ગ્રેસના વિધાનસભ્યો ગૃહમાં મોહનથાળ લઈને આવ્યા હતા. આ મોહનથાળ બીજેપીના તમામ વિધાનસભ્યોને વહેંચવામાં આવ્યો હતો.

નોંધપાત્ર છે કે અંબાજી મંદિરમાં છેલ્લા કેટલાક દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતાં ભક્તોમાં ભારે નારાજગી છે. ગઈ કાલે અંબાજી મંદિરમાં મા અંબેને મોહનથાળનો ભોગ ચઢાવ્યા બાદ ૨૧ બ્રાહ્મણો એ મોહનથાળનો પ્રસાદ લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગણી કરી હતી. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો તેમની માગણી સ્વીકારાય નહીં તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

અંબાજી મંદિરમાં ત્રીજી માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભક્તોને ચીકીનો પ્રસાદ આપવામાં આવતાં ભક્તોમાં રોષ છે.

gujarat ahmedabad