01 October, 2026 09:34 AM IST | Ethopia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૅનેડા પહોંચ્યાં ત્યાં સુધી વાત થતી હતી, પછી સંપર્ક થયો નહીં ઃ કિડનૅપરનો ફોન આવ્યો અને પૈસા માગ્યા ઃ ૬૦ લાખ રૂપિયા આપીને ઇલ્લીગલી અમેરિકા જતાં ફસાયાં ૩ યુવાન
અમેરિકા જવાની અને એ પણ ગેરકાયદેસર રીતે જવાની ઘેલછા કેવું ભયાનક પરિણામ લાવી શકે છે એનો એક કમનસીબ બનાવ ઉત્તર ગુજરાતમાં બન્યો છે. કૌટુંબિક સભ્યો પૈકી બે યુવતી અને એક યુવક એજન્ટને ૬૦ લાખ રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા બાદ આ ત્રણેયનું ઇથિયોપિયામાં અપહરણ થયું છે. અપહરણકર્તા બાબા ખાન નામની વ્યક્તિએ પરિવારને ફોન કરીને એક કરોડ રૂપિયાની માગણી કરી છે. જોકે આ મુદ્દે પોલીસ સમક્ષ ફરિયાદ કરતાં લાંઘણજ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે અને વડોદરાના એજન્ટ ભાર્ગવ પટેલને શોધી રહી છે.
ઉત્તર ગુજરાતમાં આવેલા ગોઝારિયાની ૩૦ વર્ષની મમતા ચાવડા, વડસ્માના ૨૩ વર્ષના રુત્વિક જનસારી અને ગાંધીનગરની ૨૭ વર્ષની મયૂરી સોલંકી એજન્ટ મારફત ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે ૨૦ સપ્ટેમ્બરે નીકળ્યાં હતાં જેના માટે વ્યક્તિદીઠ ૨૦ લાખ રૂપિયા આપ્યા હતા. આ ત્રણેય જણનું અપહરણ થતાં પરિવારજનો ચિંતાતુર બની ગયા છે. પરિવારજનોએ તેમનાં સંતાનોને પાછા લાવી આપવા માટે સરકારને વિનંતી પણ કરી છે.
લાંઘણજ પોલીસ-સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેહલોતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ૩ જણ ઇલ્લીગલી અમેરિકા જઈ રહ્યાં હતાં. વાયા વાયા થઈને આ લોકો જઈ રહ્યાં હતાં ત્યારે ઇથિયોપિયામાં એ લોકોનું કિડનૅપિંગ થઈ ગયું છે અને તેઓ સંપર્કમાં નથી. આ બધાં એક કુટુંબનાં છે. ત્રણ જણના ૬૦ લાખ રૂપિયા એજન્ટને આપ્યા હતા અને અમેરિકા જવા નીકળ્યાં હતાં. આ બાબતે મમતાના પિતા કિરીટભાઈએ ફરિયાદ કરી છે. ઘરવાળા પર ફોન કરીને બાબા ખાન નામની વ્યક્તિએ આ ત્રણને છોડવા માટે એક કરોડ રૂપિયાની માગણી કરી છે. આ બાબતે આ લોકો કોના-કોના મારફત જઈ રહ્યાં હતાં, કોને પૈસા આપ્યા છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. વડોદરાનો ભાર્ગવ પટેલ મેઇન એજન્ટ છે, એને પકડવાનો છે.’
આગળનો માણસ છે તેનો નથી થયો સંપર્ક
આ કેસમાં ઉલ્લેખનીય વાત એ છે કે જે સ્થાનિક એજન્ટ મારફત ગયા હતા એ એજન્ટ અલ્પેશ પંચાલ પણ પોલીસ-સ્ટેશનમાં આવ્યો હતો. અલ્પેશ પંચાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આ ત્રણેયને રાજસ્થાન લઈ ગયાં હતાં. જયપુરથી અબુ ધાબી ગયાં હતાં અને ત્યાંથી ઇથિયોપિયા પહોંચ્યાં હતાં. મારો આગળનો માણસ છે તેનો સંપર્ક થતો નથી. અમે ૬૦ લાખ આપ્યા છે છતાં તેઓ ૧ કરોડની માગણી કરી રહ્યા છે.’