22 April, 2023 12:09 PM IST | Mumbai | Shailesh Nayak
આમ આદમી પાર્ટીના બે કૉર્પોરેટર ગઈ કાલે વિધિવત્ બીજેપીમાં જોડાયા હતા એ કાર્યક્રમમાં સુરત શહેર બીજેપીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા તેમ જ અન્ય પદાધિકારીઓ.
અમદાવાદઃ ગુજરાતના સુરતમાં એક પછી એક એમ સતત આમ આદમી પાર્ટીના કૉર્પોરેટર પાર્ટી સાથે છેડો ફાડીને બીજેપીમાં જોડાવાનો સિલસિલો ગઈ કાલે પણ યથાવત્ રહેવા પામ્યો હતો. સુરતમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે અને આપના વધુ બે કૉર્પોરેટર બીજેપીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. આ પહેલાં પણ આમ આદમી પાર્ટીના ૧૦ કૉર્પોરેટરે કેસરિયો ખેસ ધારણ કર્યો હોવાથી સુરતમાં આમ આદમી પાર્ટીની નેતાગીરી ઊંઘતી ઝડપાઈ છે.
દક્ષિણ ગુજરાતના વડામથકસમા સુરતમાં ગઈ કાલે સુરત શહેર બીજેપીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આમ આદમી પાર્ટીના બે કૉર્પોરેટરને પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. નિરંજન ઝાંઝમેરાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘આમ આદમી પાર્ટીના કૉર્પોરેટર અલ્પેશ પટેલ અને કનુ ગેડિયા બીજેપીમાં જોડાયા છે. આ અગાઉ બે દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના છ અને એની પહેલાં આમ આદમી પાર્ટીના ચાર કૉર્પોરેટર બીજેપીમાં જોડાયા છે. આમ ટૂંકા સમયમાં આમ આદમી પાર્ટીના ૧૨ કૉર્પોરેટરો બીજેપીમાં જોડાયા છે.’
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના ૨૭ કૉર્પોરેટર ચૂંટાયા હતા, એમાંથી ધીમે-ધીમે ૧૨ કૉર્પોરેટર બીજેપીમાં જોડાઈ જતાં હવે આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરોનું સંખ્યાબળ ઘટીને ૧૫ થઈ ગયું છે. સુરતમાં આમ આદમી પાર્ટીના એક પછી એક કૉર્પોરેટરો બીજેપીમાં જોડાતાં આપની નેતાગીરી સામે સવાલો થઈ રહ્યા છે.