29 August, 2024 11:58 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
વૉલીબૉલના કોચ વરજંગ વાળા
ગુજરાતના ગીર સોમનાથના સરખડી ગામેથી વૉલીબૉલની રમતમાં ગામની દીકરીઓને નૅશનલ લેવલ સુધી પહોંચાડનારા કોચ વરજંગ વાળાનું આજે નૅશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે અમદાવાદમાં સન્માન થશે.
આજે નૅશનલ સ્પોર્ટ્સ ડે પ્રસંગે સ્પોર્ટ્સ જર્નલિસ્ટસ્ટ્સ અસોસિએશન ઑફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના સહયોગથી ગુજરાતના રમતવીરોના સન્માન કરવાના કાર્યક્રમનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદી-જુદી રમતોના નવ જેટલા ઊભરતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ચેસ-ચૅમ્પિયન ગ્રૅન્ડ-માસ્ટર તેજસ બાકરેને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી તેમ જ વૉલીબૉલના કોચ વરજંગ વાળા અને ઍથ્લેટિક્સના કોચ અપૂર્વ બિસ્વાસનું સન્માન કરાશે.
વૉલીબૉલના કોચ વરજંગ વાળા ૧૯૮૮માં સરખડી ગામની શાળામાં ફિઝિકલ ટ્રેઇનિંગના શિક્ષક તરીકે જોડાયા હતા. એ સમયે તેમણે ગામની દીકરીઓની વૉલીબૉલની ટીમ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને ૧૯૯૦માં સાબરકાંઠા જિલ્લાના મેઘરજમાં યોજાયેલી શાળાકીય સ્પર્ધામાં ગામની દીકરીઓની વૉલીબૉલની ટીમ મેદાનમાં ઉતારી હતી. દીકરીઓ એ સમયે ચણિયો, શર્ટ, બંગડી, છડા અને સ્લિપર પહેરીને રમવા ગઈ હતી. અમદાવાદની ટીમ સામે તેમનો પરાજય થયો હતો, પરંતુ વરજંગ વાળાએ નક્કી કર્યું કે હવે આ દીકરીઓને વૉલીબૉલની રમતમાં આગળ વધારવી છે અને નૅશનલ લેવલે પહોંચાડવી છે. ત્યાર બાદ તેમણે ગામની દીકરીઓને વૉલીબૉલની રમતમાં ઇન્ટરેસ્ટ જાગે અને ડ્રેસકોડ સાથે જ મેદાનમાં રમવા ઊતરે એવા પ્રયાસો શરૂ કરી દીધા હતા. દીકરીઓને સ્કૂલમાં વૉલીબૉલની પ્રૅક્ટિસ શરૂ કરાવી અને ગામની દીકરીઓને વૉલીબૉલ રમતી કરી હતી. ધીરે-ધીરે આજે ૧૦૦ ખેલાડીઓ પૈકી ૬૦ દીકરીઓ વૉલીબૉલ રમતની તાલીમ લઈ રહી છે. આ છોકરીઓને તૈયાર કરવાનું રિઝલ્ટ એ મળ્યું કે વર્ષ ૨૦૦૬માં નૅશનલ ગેમ્સમાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો એ ટીમમાં ૧૨ સભ્યો સરખડી અને ચરાડા ગામની દીકરીઓ હતી. ૨૦૧૫-’૧૬માં યોજાયેલી ૪૧મી જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપમાં બાર ખેલાડીઓ પૈકી છ દીકરીઓ સરખડી ગામની હતી. આ ગામની કેટલીયે દીકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ વૉલીબૉલ રમી ચૂકી છે અને એ પૈકી બે દીકરીઓ કિંજલ વાળા અને ચેતના વાળા ભારતીય ટીમના કૅપ્ટન પદે પણ રહી ચૂકી છે. વરજંગ વાળા વર્ષ ૨૦૨૨માં નિવૃત્ત થઈ ગયા, પરંતુ વૉલીબૉલની રમતમાં ગામની દીકરીઓ નામ ઉજાળે એ માટે આજે પણ પ્રયત્નશીલ છે.