ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે રહેશે હીટ વેવ

10 May, 2022 10:45 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં બે દિવસ હીટ વેવ રહેવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતી કાલે એમ બે દિવસ હીટ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ ગઈ કાલે ગુજરાતનાં ૧૧ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી વધુ રહેવા પામ્યો હતો અને કાળઝાળ ગરમી તેમ જ ગરમ પવનોના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં ગઈ કાલે સૌથી વધુ તાપમાન કંડલા ઍરપોર્ટ પર ૪૪.૮ અને સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ગઈ કાલે ૪૩.૧, ગાંધીનગર, વડોદરા અને અમરેલીમાં ૪૨.૮, રાજકોટમાં ૪૨.૭, ડીસામાં ૪૨.૨, ભાવનગરમાં ૪૧.૮, વલ્લભવિદ્યાનગરમાં ૪૧.૬ અને ભુજમાં ૪૧.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ગઈ કાલે ગરમીનો પારો ઊંચે ચડ્યો હતો અને દિવસ દરમ્યાન ગરમ પવનો ફુંકાયા હોવાથી સખત ગરમીથી લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. અંગ દઝાડતી ગરમીના કારણે ઘણા લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.

gujarat gujarat news