મોદીની વિવેકાનંદ યાત્રાની જવાબદારી હવે બીજેપીની

05 October, 2012 05:09 AM IST  | 

મોદીની વિવેકાનંદ યાત્રાની જવાબદારી હવે બીજેપીની



ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન હોવાથી બુધવાર રાતથી રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવતાં થોડી વાર માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારે ચાલી રહેલી સ્વામી વિવેકાનંદ યાત્રા પર પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો હતો જેને કારણે બુધવારે મોડી રાત સુધી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના બંગલે મીટિંગ થઈ હતી. એમાં ફાઇનલ નક્કી થયું હતું કે આ યાત્રાની જવાબદારી હવેથી બીજેપી સંભાળશે. અમલ થયા મુજબ ગઈ કાલથી આ યાત્રાની તમામ જવાબદારી હવે બીજેપીએ સંભાળી લીધી છે અને જાહેરખબર પણ તાત્કાલિક અસરથી બદલીને ‘ગુજરાત સરકાર પ્રેરિત સ્વામી વિવેકાનંદ યાત્રા’ને બદલે ‘ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સ્વામી વિવેકાનંદ યાત્રા’ કરી નાખવામાં આવી હતી. અંદરખાને બીજેપીને આ યાત્રા ચાલુ રાખવાની કોઈ ઇચ્છા નહોતી, પણ નરેન્દ્ર મોદીના આગ્રહને કારણે એ કન્ટિન્યુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે બીજેપીનો કોઈ નેતા સ્વીકારવા તૈયાર નથી કે તે લોકો આ યાત્રાનો નાણાકીય ખર્ચ હવે પાર્ટી પર થોપવાના વિરોધમાં છે. ગુજરાત બીજેપીના સિનિયર નેતા પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે ‘યાત્રાનો હેતુ શુભ છે અને યુવાનોના હિતમાં છે એટલે આ ખર્ચ ગઈ કાલથી બીજેપીએ ઉપાડી લીધો છે. આ ખર્ચને પાર્ટી-કૅમ્પેન તરીકે ગણવામાં આવશે. ખર્ચ કેટલો આવશે એ વિશે અત્યારે કશું કહી શકાય નહીં. યાત્રા હજી આઠથી દસ દિવસ ચાલશે.’

ખર્ચના સાચા આંકડાઓ તો ક્યારેય જાહેર થાય એ શક્ય નથી, પણ એટલું ચોક્કસ કહી શકાય કે આ આઠ-દસ દિવસમાં બીજેપી ઓછામાં આછોમાં ત્રણથી ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.