હાર્દિકના થપ્પડ કાંડથી રાજકારણ ગરમાયું

20 April, 2019 09:30 AM IST  |  સુરેન્દ્રનગર

હાર્દિકના થપ્પડ કાંડથી રાજકારણ ગરમાયું

તરુણ ગજ્જર

સુરેન્દ્રનગરના બલદાણામાં જન આક્રોશ સભામાં ભાષણ કરી રહેલા કોંગેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચઢીને ‘તું ૧૪ લોકોને ભરખી ગયો છે’ તેમ કહીને લાફો ઝીંકી દેતાં ચકચાર મચી ગઇ છે. પાસના કન્વીનર અને તાજેતરમાં કોગ્રેસમાં જાડાયેલા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક છે. આજે સવારે સુરેન્દ્રનગરમાં આવેલ બલદાણામાં હાર્દિક જન આક્રોશ સભા સંબોધતા હતા ત્યારે સ્ટેજ પર એક યુવક દોડી આવ્યો હતો અને ભરસભામાં હાર્દિકને લાફો ઝીંકી દીધો હતો. લાફો ઝીંકનારે એવું કહ્યું હતું કે હાર્દિકના વિચારો બાળકોને ગેરમારર્ગે દોરે તેવા છે.

સ્ટેજ ઉપર હાજર કોંગ્રેસના કાર્યકરોએ યુવકને ઝડપી લીધો હતો અને માર મારવાનું શરૂ કર્યું હતું. પોલીસ યુવકને લઇ જતી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને લોકોએ તેને ઢોરમાર મારીને તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસની હાજરી હોવા છતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરુણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહીશ છે. હુમલા બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. હાર્દિકના કહેવા પ્રમાણે તેણે ફક્ત જાણવાજોગ અરજી આપી છે.

પોલીસ જ્યારે તરુણ મિસ્ત્રીને આ ઘટના વિશે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેને પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસે તરૂણને હાર્દિકને લાફો મારવાનું કારણ પુછ્યું તો, તેને કહ્યું હતું કે, ‘હાર્દિકે ૨૦૧૫માં અમદાવાદમાં અનામત માટે મોટું આંદોલન કર્યું હતું, ત્યારે મારી પત્ની પ્રેગ્નેન્ટ હતી. હાર્દિકના આંદોલનના કારણે મારી ગર્ભવતી પત્ની સાથે હું ઘણી વખત હેરાન થયો છું. મારી પત્નીની દવા ચાલતી હતી, એક બાજુ હાર્દિકના આંદોલનના કારણે મારી પત્નીને મિસ કેરેજ થતું થતું રહી ગયું હતું.’ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ ગજ્જરે વધુમાં કહ્યું હતું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ. ૧૪ પાટીદાર શહીદ થયા. એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય. અમે કેટલા હેરાન થયા. હાર્દિક પટેલ ગુજરાતનો હિટલર હોય તેવુ શાસન કરવા માંગે છે. પણ આમ પબ્લિકનું શું થાય.

તરુણ મિસ્ત્રીએ કહ્યું કે, હાર્દિક કહે એટલું જ થાય ગુજરાતમાં. એના સમાજમાં કેવા સારા સારા લોકો છે. એ પોતાને ગુજરાતનો હિટલર સમજે છે. મને હાર્દિક પ્રત્યે કંઈ જ નથી. હાર્દિકના વિચારો બાળકોને, છોકરાઓને ગેરમાર્ગે દોરે તેવા છે. તેથી તેનો વિરોધ છે. મારા છોકરાને તકલીફ પડે એટલે આવુ કર્યું. આ કામ મેં જાતે કર્યું છે. આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

આંદોલન સમયે ૧૪ લોકોનાં મોત માટે હાર્દિક પટેલ જવાબદાર : અલ્પેશ ઠાકોર

કોંગ્રેસમાંથી છેડો ફાડનાર અને એક સમયે હાર્દિક પટેલના ખાસ મિત્ર માનવામાં આવતા અલ્પેશ ઠાકોરે હાર્દિકને સંયમ રાખવાની સલાહ આપી હતી જ્યારે ૧૪ પાટીદારોના મોત માટે હાર્દિક પટેલને જવાબદાર ગણાવ્યા હતાં.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ ઘટના નિંદનીય છે. જે યુવકે હુમલો કર્યો હતો એને પણ હું વખોડું છું, ત્યારબાદ યુવકને માર મરાયો તેને પણ વખોડું છું. રાજનીતિનું સ્તર કઇ જગ્યાએ અને કેટલી હદ સુધી નિમ્ન કક્ષાએ જઇ રહ્યું છે એ આ બતાવે છે. જાહેર મંચ ઉપર બનેલી આ પ્રકારની ઘટનાને વખોડું છું. તે કહ્યું કે, આ એક નિમ્ન કક્ષાની રાજનીતિ થઇ રહી હતી. આ ઘટનાની તટસ્થ તપાસ થવી જોઇએ. આંદોલન સમયે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે તેમના સમર્થકો ઉશ્કેરાયા અને હિંસા ફાટી નીકળી, બસો સળગી, મોલો તૂટ્યા. આ હિંસામાં ૧૪ લોકોના મોત થયા છે એનું દુ:ખ હોવું જોઇએ.

૧૪ લોકોના મોતની જવાબદારી કોની એ અંગે અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે, આંદોલકારી તરીકે લોકો આપણા વિચારો અને વર્તનને અનુસરતા હોય છે. તો હું એવું માનું છું કે, ૧૪ લોકોના મોતની જવાબદારી આંદોલનકારી તરીકે હાર્દિક પટેલની ગણી શકાય છે.’

તરુણ છેલ્લાં ચાર વર્ષથી અલગ રહે છે : મનુભાઇ ગજ્જર

હાર્દિક પટેલને તમાચો મારનાર તરુણ મિસ્ત્રીના પિતા મનુભાઈ ગજ્જરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, તરુણ ત્યાં ગયો એ અમને ખ્યાલ નથી. ૧૫ દિવસથી અમારો તેની સાથે કોઈ સંપર્ક નથી. તે છેલ્લા ચાર વર્ષથી તે અલગ રહે છે. તે કોઈ પક્ષ માં જોડાયો છે તેનો અમને ખ્યાલ નથી. તે ભાજપ સાથે સંકળાયેલો છે તેવી વાત મળી હતી.

હાર્દિક સાથે જે થયું તે પાટીદાર સમાજનું અપમાન : લાલજી પટેલ

હાર્દિક પટેલને સભામાં લાફો મારવા મામલે મહેસાણાના એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલ સાથે આજે જે થયું તે પાટીદાર સમાજનું અપમાન છે. પાટીદાર આગેવાન કોઈ પણ પાર્ટી સાથે જોડાઈ શકે છે. અનામત આંદોલન સમયે કોઈ પણ આંદોલનકારીએ કોઈ પણ પક્ષમાં જોડાવું નહીં એવું નક્કી થયું હતું. પરંતુ હાર્દિક કોંગ્રેસમાં જોડાયો છે. લાલજીએ કહ્યું કે, આમે નેતાઓ સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે જેમાં હાર્દિક આજે ભોગ બન્યો છે. એક પાટીદાર નેતા સાથે જે થયું એ ખૂબ દુ:ખદ બાબત છે.

તરુણ ગજ્જરનું સામે આવ્યું ભાજપ કનેક્શન

વઢવાણાની સભામાં હાર્દિક પટેલને મંચ પર જ લાફો મારી દેનાર તરુણ ગજ્જર નામના વ્યક્તિનુ ભાજપ કનેક્શન પણ સામે આવ્યુ છે.

તરુણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ હોવાની વિગતો સપાટી પર આવી છે. ભાજપના હાલના સાંસદ જયશ્રી પટેલ સાથે પણ તેનો વિડિયો વાયરલ થયો છે. તરુણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો વતની છે. તે ગામમાં જ છૂટક ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

જીતુ વાઘાણીએ હાર્દિક પટેલને નાટક મંડળી ગણાવ્યો

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી હાર્દિક પટેલને લાફો પડવા મામલે નિવેદન આપ્યું છે તેમણે હાર્દિક પટેલને નાટક મંડળી ગણાવ્યો છે. સાથે હાર્દિક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે. અને તેમણે કહ્યું છે કે, ભાજપ પાર્ટી શાંતિમય વાતાવરણમાં ચૂંટણી ઈચ્છે છે. ભાજપ પાર્ટી આવું કોઇ પણ પ્રકારનું કાર્ય કરી શકે નહી.

hardik patel gujarat Gujarat Congress patidar anamat andolan samiti