સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું

18 September, 2020 02:44 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાંથી વિદાય લઈ રહેલું ચોમાસું જાણે ફરી સક્રિય બન્યું હોય એમ ગઈ કાલે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું હોય એમ માત્ર બે કલાકમાં સાંબેલાધાર ૨૭૫ મિમી એટલે કે ૧૧ ઇંચ વરસાદ પડ્યો હતો, એટલું જ નહીં, ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના સુરત, નર્મદા, નવસારી, તાપી જિલ્લા સહિતના જિલ્લાઓના ૬૪ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.
ગઈ કાલે બપોરે બેથીચાર વાગ્યાના બે કલાક દરમ્યાન ઉમરપાડા તાલુકામાં ૨૭૫ મિમી વરસાદ પડ્યો હોવાનું ગુજરાત સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરે જાહેર કર્યું હતું. ઉમરપાડા તાલુકામાં બારે મેઘ ખાંગા થતાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના પગલે તાલુકામાં કંઈકેટલાંય ગામડાં પાણી-પાણી થઈ ગયાં હતાં. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન તહસનહસ થઈ ગયું હતું. નાની નદી, નાળાં, વોકળા અને ચેકડૅમ છલકાઈને વહેવા માંડ્યાં હતાં. ઉમરપાડા તાલુકાના કેવડીથી ઝંખવાવ જતા માર્ગ પર પાણી ફરી વળતાં આ રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી.
ઉમરપાડા ઉપરાંત સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ મેઘો મુશળધાર વરસ્યો હતો. માંગરોળ તાલુકામાં બપોરે ૧૨થી ૪ વાગ્યા દરમ્યાન ૪ કલાકમાં ૧૩૮ મિમી એટલે કે સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. માંગરોળના મોસાલી બજાર જાણે કે જળમગ્ન બન્યું હતું તો કોસંબા–માંગરોળ સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી.
આ ઉપરાંત નર્મદા તાલુકાના ડેડિયાપાડા તાલુકામાં ૯૯ મિમી એટલે કે ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. એમાં પણ બપોરે ૪થી ૬ વાગ્યાના બે કલાકમાં ૮૬ મિમી એટલે કે સવાત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે રાજપીપળા-ડેડિયાપાડા વચ્ચેના રસ્તા પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સ્થગિત થયો હતો. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ૭૪ મિમી એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૬૯, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ૬૩ અને ઘોઘંબા તાલુકામાં ૪૮ મિમી વરસાદ પડ્યો હતો.

ahmedabad surat gujarat Gujarat Rains