સુરત આગઃ વિદ્યાર્થિનીએ કહ્યું,'પપ્પા હું કુદી જાઉ છું' અને....

25 May, 2019 03:32 PM IST  |  સુરત

સુરત આગઃ વિદ્યાર્થિનીએ કહ્યું,'પપ્પા હું કુદી જાઉ છું' અને....

પુત્રી ક્રિષ્ના સાથે પિતા સુરેશભાઈ (Image Courtesy : facebook )

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ ભલે બુઝાઈ ગઈ હોય, પરંતુ આ આગ બાદની રાખ 21 પરિવારોમાં એવી છવાઈ છે કે વર્ષો સુધી ઉડશે જ નહીં. 21-21 પરિવારોમાં સુરતની આગે દુઃખના એવા થર જમાવી દીધા છે કે વર્ષો વીતશે, પણ આ આંખો નહીં સુકાય. જે માતા પિતાએ પોતાના વહાલસોયા બાળકોને ભવિષ્ય બનાવવા મોકલ્યા હતા, ત્યાં જ તેમના ભવિષ્ય પર પૂર્ણવિરામ લાગી ગયું. કોઈ બળીને મર્યું તો કોઈ કુદીને.

ચોંકાવનારી વાત એ છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મોટા ભાગના બાળકોની ઉંમર 16થી 20 વર્ષની વચ્ચે હતી. એટલે કે હજી તો આ તમામે જિંદગીના રંગને માણવાની શરૂઆત કરી હતી. પરંતુ હવે તેમના પરિવારની જિંદગી બેરંગ બની ગઈ. સુરેશભાઈ ભિકડીયાના તો આંસુ જ નથી સુકાઈ રહ્યા. અને સુકાય પણ કેવી રીતે. સુરેશભાઈએ આ દુર્ઘટનામાં પોતાની પરી જેવી દિકરી ક્રિષ્નાને ગુમાવી દીધી છે. એ પણ કોકની ભૂલને કારણે.

દિવ્યભાસ્કર ડોટ કોમના અહેવાલ પ્રમાણે આગ લાગી ત્યારે સુરેશભાઈની પુત્રી ક્રિષ્નાએ સૌતી પહેલી જાણ પિતાને કરી હતી. ક્રિષ્નાએ પિતા સાથે વાત કરતા કહ્યું હતું,'પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમાર દાદર લાકડાનો હતો...પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા...' અને હજી તો પોતાની પુત્રીને મદદ કરવા માટે સુરેશભાઈ બે શબ્દ કહે તે પહેલા ફોન કટ થઈ ગયો.

 

દિવ્ય ભાસ્કર ડોટ કોમના અહેવાલ પ્રમાણે પુત્રીના આ ફોન બાદ તક્ષશિલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ક્રિષ્નાના પિતા અને પરિવારજનો સ્થળ પર પહોંચ્યા. ત્યાં સુધીમાં તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવાયા હતા. પોતાની પુત્રીને શોધતા હાંફળા ફાંફલા થતા ક્રિષ્નાના પિતાને કંઈ સુજતુ નહોતું. તેમને તો બસ પોતાની પુત્રીને જોવી હતી. એટલે તેમણે ફરીવાર પુત્રીને ફોન લગાવ્યો. પણ કમનસીબે આ ફોન ઉપાડવા ક્રિષ્ના જીવતી નહોતી રહી. ક્રિષ્નાને લગાવેલો ફોન કોઈ વ્યક્તિએ ઉપાડ્યો અને સુરેશભાઈએ ડરભર્યા અવાજે પૂછ્યું, હું મારી દિકરી ક્રિષ્ના ભિકડીયાને શોધું છું, ગળગળા થઈ કહ્યું મેં એને જ ફોન લગાડ્યો છે.

સુરેશભાઈને ફોન પર પુત્રીનો અવાજ સાંભળવો હતો પરંતુ ફોન ઉપાડનાર વ્યક્તિએ જે કહ્યું એ સાંભળીને સુરેશભાઈ ફસડાઈ પડ્યા. ફોન પરના વ્યક્તિએ તેમને કહ્યું તમે પહેલા સ્મિમેરમાં આવી જાવ, અત્યારે હું ત્યાં છું અને અહિં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી તમામ બોડી આવી છે એ બોડી પાસેથી જ મને આ ફોન મળ્યો છે.

આ પણ વાંચોઃ સુરત આગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, આ કારણે વિકરાળ બની આગ

સુરેશભાઈના મનમાં પણ અઘટિત બન્યાની વાત આવી. પરંતુ કંઈક આશાએ ઈશ્વરને મનોમન કગરતા સુરેશભાઈ સ્મીમેર પહોંચ્યા. તેમને આશા હતી કે મારી પુત્રી તો બચી ગઈ હશે. ઈશ્વરે સહાય તો કરી જ હશે. પરંતુ તેમને ક્રિષ્ના મળી મૃતદેહના ઢગલામાંથી. મૃતદેહના ઢગલામાં સંખ્યાબંધ વાલીઓ પોતાના રતનને શોધી રહ્યા હતા. કોઈ ઘડિયાળથી તો કોઈ હાથ પરની નાડાછડીથી. સુરેશભાઈથી આ માહોલ ન જીરવાયો અને તેઓ તૂટી પડ્યા. એકની એક પુત્રીની વિદાયે પિતાને તોડી નાખ્યા.

surat gujarat news