01 June, 2026 07:24 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર - એઆઈ
સુરતના કતારગામ વિસ્તારમાં માણસજાની બેશર્મના પુરાવા સમી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકલાજ અને બદનામીના ડરે એક માતાએ પોતાના જ નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. આ મામલે ચોકબજાર પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં આરોપી માતાની ધરપકડ કરી લીધી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, ૨૫ મે ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧:૦૦ વાગ્યાની આસપાસ કતારગામની અવધૂતનગર સોસાયટી, સીતારામ ફ્લોર મીલની સામે ભક્તિનગર તરફ જતા રોડ પરથી એક ફાટેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલીમાં આશરે એકાદ દિવસનું તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં બિનવારસી પડ્યું હતું.ઘટનાની ગંભીરતાને જોઈને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે જ્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ કર્યું ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે, કૂતરાઓ આ થેલીને નજીકની અવધૂતનગર સોસાયટીની વાડી પાસે આવેલા કચરાના ઢગલામાંથી ખેંચીને રસ્તા પર લાવ્યા હતા.
પોલીસે કચરાના ઢગલાની આસપાસના સીસીટીવી વધુ બારીકાઈથી તપાસ્યા તો તેમાં એક અજાણી મહિલા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને શાંતિનગર સોસાયટીમાંથી અવધૂતનગર તરફ જતી જોવા મળી હતી. આ ફૂટેજની કડીઓ જોડીને સર્વેલન્સ સ્ટાફે તપાસ તેજ કરી અને આખરે બાળકને જન્મ આપી ત્યજી દેનારી સગી માતાને શોધી કાઢી હતી.
પોલીસ પૂછપરછમાં મહિલાએ જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાએ કબૂલાત કરી કે: તેના લગ્ન થયાં છે અને તે બે પુખ્ત વયનાં સંતાનો છે. આ ઉંમરે આ ઉંમરે પતિ દ્વારા ફરીથી ગર્ભ રહી જતાં તેને સમાજમાં ભયંકર બદનામી અને ટોણા સાંભળવાનો ડર સતાવી રહ્યો હતો. તેને હતું કે લોકો તેને વયને કારણે વખોડશે અને તેના સંતાનો સામે પણ તેને નીચા જોણું થશે. આ કારણોસર જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતું, ત્યારે તેણે અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. પોતાનું આ `પાપ` છુપાવવા માટે તેણે માસૂમ નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં પેક કર્યું અને મોડી રાત્રે કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું.
પોતાના જ લોહીને આ રીતે રઝળતું મૂકી દેવાના આ ગંભીર મામલે ચોકબજાર પોલીસે આરોપી મહિલા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-91 અને 94 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.