સૂરત હિરા વેપારીએ કરાવ્યા ૧૧૧ અનાથ દીકરીઓનાં લગ્ન, દરેકને 5 લાખનો કરિયાવર

02 December, 2014 03:42 AM IST  | 

સૂરત હિરા વેપારીએ કરાવ્યા ૧૧૧ અનાથ દીકરીઓનાં લગ્ન, દરેકને 5 લાખનો કરિયાવર



જેમને માબાપ કે પછી પિતા ન હોય એવી દીકરીઓના પાલક પિતા બનવાની પ્રતિજ્ઞા લેનારા સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી દ્વારા રવિવારે વરાછા વિસ્તારમાં ૧૧૧ દીકરીઓનાં લગ્ન કરાવવામાં આવ્યાં. આ લગ્નપ્રસંગમાં દરેક દીકરીને પાંચ લાખ રૂપિયાનો કરિયાવર આપવામાં આવ્યો તો વીસ હજારથી ઓછી આવક ધરાવતા પણ ટેલન્ટ હોય એવા ૨૭ વરરાજાઓને કાયમી નોકરી પણ આપવામાં આવી. મહેશભાઈ સવાણીએ કહ્યું હતું, ‘દીકરીઓ માટે કરવાનું હોય એમાં પાછી પાની કરવાની ન હોય. કારણ કે તમામ દેવીઓનું રૂપ દીકરીઓનું જ છે. હું માનું છું કે આ જે કાર્ય કરવા મળે છે એ તેમનો મારા પરનો ઉપકાર છે.’

૧૧૧ દીકરીઓના આ લગ્નપ્રસંગમાં કુલ ૫૫,૦૦૦ લોકો જમ્યા હતા. જમણવારમાં ૫૫૦૦ કિલો મઠો, ૨૦૦૦ કિલો કાજુકતરી, ૨૨૦૦ કિલો ઘઉંના લોટની પૂરી, ૧૭૦૦ કિલો અલગ-અલગ શાક ૧૮૦૦ કિલો ભાત અને ૧૪૦૦ કિલો તુવેરની દાળનો ઉપયોગ થયો હતો.

આ અગાઉ પણ મહેશભાઈએ બે વખત આ પ્રકારે ૧૪૦ અનાથ દીકરીઓનાં લગ્ન કરાવ્યાં છે. કુલ ૧૦૦૧ અનાથ દીકરીઓનાં લગ્ન કરાવવાની પ્રતિજ્ઞા મહેશભાઈએ લીધી છે.