સુરતઃયોજાયો મંગલ પરિણય

24 December, 2018 06:18 PM IST  |  સુરત | Rashmin Shah

સુરતઃયોજાયો મંગલ પરિણય

લગ્નમાં ૬ મુસ્લિમ, ૩ ખ્રિસ્તી, ૪ HIVગ્રસ્ત દીકરીઓની સાથે ૧૭ એવી દીકરીઓ પણ હતી

૨૦૧૨થી જરૂરિયાતમંદ કે પિતાની છત્રછાયા ન ધરાવતી દીકરીઓનાં લગ્ન કરાવવાની પરંપરા સુરતના પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ આ વર્ષે પણ જાળવી રાખી છે અને ગઈ કાલે ૨૬૧ દીકરીઓનાં સમૂહલગ્ન ‘લાડકડી’ કાર્યક્રમ હેઠળ તેમણે કરાવ્યાં હતાં. આ સમૂહલગ્નમાં પરણનારી ૨૬૧ દીકરીઓમાંથી છ દીકરીઓ મુસ્લિમ પરિવાર હતી તો ત્રણ દીકરીઓ ખ્રિસ્તી પરિવારની હતી, જ્યારે ચાર દીકરીઓ HIVગ્રસ્ત હતી અને ૧૭ દીકરીઓ એવી હતી જેમના પરિવારમાં માબાપ કે ભાઈ કોઈની હયાતી નથી. ગઈ કાલના લગ્નસમારંભના કાર્યક્રમ માટે સુરતના અબ્રામા રોડ પર આવેલા પી. પી. સવાણી ચૈતન્યવિદ્યા સંકુલમાં ૨૬૧ મંડપ બનાવવામાં આવ્યા હતા અને આ તમામ મંડપ એક જ જગ્યાએથી દેખાય એ રીતે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. લગ્નપ્રસંગની શરૂઆત મુસ્લિમ દીકરીઓના નિકાહથી થઈ હતી અને એ પછી ખ્રિસ્તી દીકરીઓની મૅરેજ-સેરેમની કરવામાં આવી હતી. મહેશ સવાણીએ કહ્યું હતું કે સર્વધર્મ સમભાવની ભાવના જો અકબંધ રાખવી હોય તોબીજાના ધર્મને પહેલાં મહત્વ આપવું જોઈએ એવું લાગતાં એ દીકરીઓનાં લગ્ન પહેલાં કરાવ્યા અને એ પછી આપણી દીકરીઓને મંડપમાં લાવવામાં આવી.

 

ગઈ કાલે મંડપમાં આવેલી દીકરીઓની પહેલાં તેનાં ભાવિ સાસુ-સસરા અને પતિ પક્ષના અન્ય સભ્યો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને એ આરતી પૂરી થયા પછી દીકરીઓને ચોરીમાં બેસાડવામાં આવી હતી. આ પ્રક્રિયા સમૂહલગ્નના કાર્યક્રમમાં પહેલી વખત કરવામાં આવી છે. આ તમામ દીકરીઓના કન્યાદાન માટે દેશના શ્રેષ્ઠ ત્ભ્લ્, ત્ખ્લ્ ઑફિસરથી માંડીને જાણીતી કંપનીના માલિકો અને રાજકીય ક્ષેત્રમાં નામના ધરાવતા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગઈ કાલના લગ્નપ્રસંગમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચાર દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. ગઈ કાલે લગ્ન કરનારી દીકરીઓને મહેશ સવાણી તરફથી ૧૨૬૧ ચીજવસ્તુઓ આણામાં આપવામાં આવી હતી. આ ઉપરાંત ૨૬૧ દીકરીઓનાં નામોનો લકી ડ્રૉ કરીને એમાંથી ૧૦ દીકરીઓને સિંગાપોર-મલેશિયાની હનીમૂન ટૂર અને બાકી રહેલી ૨૫૧ દીકરીઓને કુલુ-મનાલીની હનીમૂન ટૂર પણ ગિફ્ટ તરીકે આપવામાં આવી હતી. જે દીકરીઓ તાત્કાલિક હનીમૂન પર જવાને બદલે પોતાના સાસરાપક્ષ સાથે રહેવાનું પસંદ કરીને ત્રણ મહિના પછી હનીમૂન પર જશે એ દીકરીઓમાંથી ૫૦ દીકરીઓને (ત્રણ અન્ય વ્યક્તિ સાથે) હેલિકૉપ્ટરમાં એક કલાકનું સુરતદર્શન કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.