સંજીવ ભટ્ટને સર્પોટ વધતો જાય છે

10 October, 2011 09:02 PM IST  | 

સંજીવ ભટ્ટને સર્પોટ વધતો જાય છે

 

 

બીજી બાજુ ગુજરાત સરકાર અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે જંગે ચડેલા ગુજરાતી બ્રાહ્મણ કૉમ્યુનિટીના સસ્પેન્ડેડ આઇપીએસ (ઇન્ડિયન પોલીસ ર્ફોસ) ઑફિસર સંજીવ ભટ્ટ માટે એકત્રિત થયેલા રાજકોટના બ્રહ્મ સમાજે ગઈ કાલે શહેરનાં અગિયાર શિવ-મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો ૧,૨૫,૦૦૦ વખત જાપ કર્યો હતો. સંજીવ ભટ્ટની ધરપકડ થઈ, ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાના હત્યારાઓ હજી નથી પકડાયા અને હરેન પંડ્યાનાં વાઇફ જાગૃતિબહેન પંડ્યા પર ગુજરાત સરકાર દ્વારા જાસૂસી કરાવવામાં આવતી હોવાના આક્ષેપો જેવા બ્રાહ્મણ જ્ઞાતિની ત્રણ-ત્રણ વ્યક્તિઓને સરકાર દ્વારા કરવામાં આવતા અન્યાયની સામે લડત આપવાના હેતુથી સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના સેક્રેટરી ભરત ઓઝાએ કહ્યું હતું કે ‘અત્યારે બ્રહ્મ સમાજ શાંત છે, પણ જરૂર પડશે તો જ્ઞાતિજન માટે શાસ્ત્રો છોડીને શસ્ત્રો ઉપાડતાં પણ અમે નહીં ખચકાઈશું.’

કૉલેજ સ્ટુડન્ટ દેવ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા સંજીવ ભટ્ટના ઘરની બહાર સાંજે ઊભા રહીને સંજીવ ભટ્ટની મુક્તિ માટે કૅમ્પેન ચલાવી રહ્યા છીએ. સંજીવ ભટ્ટ નર્દિોષ છે અને ગુજરાત સરકાર કિન્નાખોરી કરી રહી છે. સંજીવ ભટ્ટ સાચા માણસ છે અને અમે સત્ય સાથે જોડાયેલા છીએ.’

અમદાવાદના કૉલેજ સ્ટુડન્ટ્સને આ મુદ્દે અવેર કરવામાં આવી રહ્યા છે. સંજીવ ભટ્ટ અને તેમની ફૅમિલીના સર્પોટમાં સિગ્નેચર-કૅમ્પેન પણ કરવામાં આવ્યું હતું.  ગુજરાત બીજેપી સરકારના ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન અને દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ ગુજરાતના સંયોજક નલિન ભટ્ટે ગઈ કાલે સંજીવ ભટ્ટના ઘરની મુલાકાત લીધી હતી અને ગુજરાતના આઇપીએસ અધિકારીઓના સંગઠને સંજીવ ભટ્ટની ફૅમિલીને સમર્થન આપવાની વાત કરી એને આવકારદાયક ગણાવી હતી.