પ્રેમીને પામવા પાડોશણને મારીને કર્યો સુસાઇડ ડ્રામા

13 November, 2011 12:19 PM IST  | 

પ્રેમીને પામવા પાડોશણને મારીને કર્યો સુસાઇડ ડ્રામા



(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૧૩

રાજકોટ રૂરલના પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ પ્રેમવીરસિંહે કહ્યું હતું કે ‘મીના પોતાના પ્રેમી સાથે ભાગી જવા માગતી હતી, પણ પતિ નડતો હોવાથી તેણે બાજુમાં રહેતાં વૃદ્ધા જીવીબહેન સગરને મારી તેમને પોતાનાં કપડાં પહેરાવીને એવી સ્ટોરી ઊભી કરી તેણે સુસાઇડ કરી લીધું છે, પણ બાળક અને મીનાના ભાઈના ડીએનએ અને ડેડ બૉડીના ડીએનએ મૅચ થતાં ન હોવાથી અમે તપાસ ચાલુ રાખી હતી.’

ઘટના શું હતી?

મીનાને રૉન્ગ નંબર પર અચાનક મળેલા ગીગન કાચા સાથે પ્રેમ થઈ ગયો. એક વર્ષ પછી મીનાએ તેના પતિ હરસુખ પાસે છૂટાછેડા માગ્યા, પણ દીકરાને કારણે પતિએ ડિવૉર્સ આપવાની ના પાડી દીધી અને મીના પર ઘરમાં જાપ્તો વધારી દીધો. ગીગનથી દૂર રહી શકતી નહીં હોવાથી મીનાએ પ્લાન બનાવ્યો અને પ્લાન મુજબ ૨૬ જૂને વહેલી સવારે જ્યારે તે ઘરમાં એકલી હતી ત્યારે પાડોશમાં એકલાં રહેતાં ૯૦ વર્ષના જીવીબહેન સગરનું ગળું દબાવીને હત્યા કરી નાખી. જીવીબહેનને માર્યા પછી મીનાએ તેમને પોતાનાં કપડાં પહેરાવ્યાં અને એ પછી જીવીબહેનની લાશ પોતાના ઘરમાં લાવીને સળગાવી નાખી. પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ પ્રેમવીરસિંહે કહ્યું હતું કે ‘પહેલી નજરે મીનાએ સુસાઇડ કર્યું એવું પુરવાર થતું હતું. મીનાના ભાઈ જયેશે પણ પોલીસમાં ફરિયાદ લખાવી કે મીનાને દહેજ માટે માર મારવામાં આવતો હતો. આ ફરિયાદ અને બનેલી ઘટનાના આધારે મીનાના પતિ અને સાસુ-સસરાની ધરપકડ કરવામાં આવી. એ જ દિવસે સાંજે જીવીબહેન ગુમ થયાં હોવાની ફરિયાદ આવી. જીવીબહેનનાં સગાંઓને ત્યાં તપાસ કર્યાના એક મહિના પછી અમને લાગ્યું કે બન્ને કેસ વચ્ચે કોઈ સામ્ય હોઈ શકે છે. આ શંકાથી અમે ડેડ બૉડી, મીનાના દીકરા અને મીનાના ભાઈની ડીએનએ ટેસ્ટ કરાવી જેમાં ખબર પડી કે ડેડ બૉડી મીનાની નથી. જોકે આ વાત અમે ડિક્લેર નહોતી કરી.’

આરોપીએ શું ભૂલ કરી?

જીવીબહેનની ડેડ બૉડી છે એ ખબર પડ્યા પછી પોલીસે છાના ખૂણે મીનાને શોધવાનું શરૂ કર્યું, પણ મીનાના ક્યાંય ખબર નહોતા મળતા. જોકે કહેવાય છે કે આરોપી કોઈ એવી ભૂલ અજાણતાં કરી બેસે છે જેનાથી તે કાયદાના પંજામાં આવી જાય. મીનાથી પણ એવી જ ભૂલ થઈ. તેણે તેના ભાઈ જયેશને ફોન કર્યા. જયેશનો ફોન ઑલરેડી રાજકોટ પોલીસના ઑબ્ઝર્વેશનમાં હતો. એક જ નંબર પરથી દિવસમાં દરરોજ એકાદ વાર આવતા ફોનની તપાસ કરી તો પોલીસને ખબર પડી કે એ નંબર મીનાનો છે અને મીના અત્યારે જેતપુર તાલુકાના જ જેતલસર ગામે છે. પોલીસે જેતલસરમાંથી મીનાની અરેસ્ટ કરી, પણ ગીગન ત્યાંથી ભાગી ગયો. મીનાના ભાઈ જયેશની પણ પોલીસે અરેસ્ટ કરી છે.

હવે પતિની થશે મુક્તિ

દહેજ માટે મીના પર ત્રાસ ગુજારવા બદલ પોલીસે જેમની ધરપકડ કરી હતી એ હરસુખ અને તેનાં બા-બાપુજીને આવતી કાલે રાજકોટ જેલમાંથી છોડી મૂકવામાં આવશે. મીના જીવતી છે અને તેના પર કોઈ ત્રાસ કરવામાં આવતો નહોતો એ બાબતનું સ્ટેટમેન્ટ રાજકોટ પોલીસ ર્કોટમાં ફાઇલ કરે એ પછી આ ત્રણેયને જેલમાંથી રજા આપવામાં આવશે. પોલીસ-સુપરિન્ટેન્ડન્ટ પ્રેમવીરસિંહના કહેવા પ્રમાણે પતિ અને સાસુ-સસરાને સજા થાય એ પછી પોતાના ભાઈને ત્યાં રહેતા પોતાના દીકરાને પોતાની પાસે લઈ આવવો એવો પ્લાન પણ મીનાના મનમાં હતો.