કાલે અમદાવાદમાં શેનો વર્લ્ડ રેકૉર્ડ થશે?

12 November, 2012 03:28 AM IST  | 

કાલે અમદાવાદમાં શેનો વર્લ્ડ રેકૉર્ડ થશે?



અમદાવાદ : ૧૩ નવેમ્બરે દિવાળીના દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં શ્રી શ્રી રવિશંકરના સાંનિધ્યમાં આર્ટ ઑફ લિવિંગ દ્વારા મૅક્સિમમ કૅન્ડલ્સ લાઇટ એટ અ સિંગલ વેન્યુનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ થવા જઈ રહ્યો છે, જેમાં દિવાળીના પર્વ નિમિત્તે એકસાથે ૫૦,૦૦૦ ભાવિકો મીણબત્તી પ્રગટાવી લાઇટ ટુ પીસનો મેસેજ આપશે.

આર્ટ ઑફ લિવિંગનાં સ્ટેટ મિડિયા કૉ-ઓર્ડિનેટર વૈશાલી દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૩ નવેમ્બરના મંગળવારે દિવાળીના દિવસે સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે છ વાગ્યાથી મહાલક્ષ્મી હોમ, સામૂહિક ચોપડા પૂજન તથા દિવ્ય સત્સંગનો કાર્યક્રમ શ્રી શ્રી રવિશંકરના સાંનિધ્યમાં  યોજવામાં આવશે. એમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી મહાલક્ષ્મી હોમ થશે. વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિવિધાન પ્રમાણે મંત્રોચ્ચાર કરવામાં આપશે, જે માટે ખાસ આર્ટ ઑફ લિવિંગ વેદ વિજ્ઞાન મહાવિદ્યાપીઠ, બૅન્ગ્ાલોરથી પંડિત ગણ આવશે.’

તેમણે કહ્યું હતું કે ‘સરદાર પટેલ સ્ટેડિયમમાં આ પ્રસંગે દિવાળીના પર્વ નિમિત્તે એકસાથે ૫૦,૦૦૦ ભાવિકો મીણબત્તી પ્રગટાવશે અને લાઇટ ટુ પીસનો મેસેજ આપશે ત્યારે ધી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ‘દીપોત્સવ-મૅક્સિમમ કૅન્ડલ્સ લાઇટ એટ અ સિંગલ વેન્યુ’ કૅટેગરીમાં સ્થાન પ્રાપ્ત કરવા પ્રયાસ કરવામાં આવશે.’

આર્ટ ઑફ લિવિંગના કાર્યકર બકુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રસંગે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ઑબ્ઝર્વર હાજર રહેશે. આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજે એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. પૂજા વિધિ બાદ સત્સંગ થશે અને ગુરુજી શ્રી શ્રી રવિશંકર ભાવિકોને આર્શીવચન આપશે.’