અહો આશ્ચર્યમ : સુરતમાં વિમાન ભેંસ સાથે અથડાયું

07 November, 2014 07:01 AM IST  | 

અહો આશ્ચર્યમ : સુરતમાં વિમાન ભેંસ સાથે અથડાયું




સુરત : તા. 07 નવેમ્બર

વિમાન સુરતથી દિલ્હી જઈ રહ્યું હતું અને સ્પાઈસજેટનું પ્લેન હોવાનું જણાવવામાં આવે છે. આ ઘટના ગઈ કાલે ગુરુવારે સાંજે 7 વાગ્યે ઘટી હતી. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી આગામી બે દિવસોમાં વિસ્તૃત રિપોર્ટ રજુ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા હતાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી-સૂરત-દિલ્હી ફ્લાઈટ ગઈ કાલે ગુરૂવારે સાંજે 6 વાગ્યે સુરત પહોંચી હતી. દિલ્હીથી સૂરત આવનાર મુસાફરો એરપોર્ટ પર ઉતર્યા હતા જ્યારે સૂરતથી દિલ્હી જનારા મુસાફરો ફ્લાઈટમાં બેઠા હતાં. 170 મુસાફરો સાથેનું વિમાન જેવું દિલ્હી રવાના થવા રન વે પર થોડા જ મીટર દોડ્યું કે અચાનક રન વે પર આવી ચડેલા કોઈ પશુ સાથે અથડાઈ ગયું હતું. પાઈલોટે જો કે સમયસૂચકતા પારખી વિમાનને તરત જ રોકી દીધું હતું. વિમાનને સામાન્ય નુકશાન થયું હતું જેનું નિરિક્ષણ કરવા વિમાનને પાર્કિંગ એરિયામાં લઈ જવામાં આવ્યું હતું.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષીત હતાં. ઘટના કેવી રીતે ઘટી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્પાઈસ જેટના પ્રવક્તાએ બેંગલૂરૂ ખાતેથી દુર્ઘટનાની જાણકારી આપતા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સલામત હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

એરપોર્ટ ઓથોરિટીમાં વિમાન સાથે શું અથડાયું છે તે બાબતને લઈને વિવિધ મત પ્રવર્તતા હતાં. પરંતુ સૂત્રોના જણાવ્યા આખરે તે એક ભારે ભરખમ ભેંસ હોવાનું માલુમ પડ્યું હતું. બૉઈંગ એરક્રાફ્ટને તેનાથી ખાસુ નુંકસાન પહોંચ્યું હતું અને તેને પાર્કિંગ એરિયામાં સ્થાનાંતરીત કરવામાં આવ્યું હતું. એરપોર્ટના ડાયરેક્ટર ડૉ, એસ ડી શર્માએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મુસાફરોનો ચમત્કારીક રીતે બચાવ થયો છે. એન્જીન બ્રેકડાઉન કે અન્ય કોઈ પણ પ્રકારની યાંત્રીક ખામી સર્જાઈ નથી. ડો, શર્માએ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતાં અને 2 દિવસમાં વિસ્તૃત એહવાલ રજુ કરવામાં આવશે.

જો કે રન વે પર પશુ આવી ચડવાની આ ઘટના પહેલીવાર નથી ઘટી. કેટલાક વર્ષો પહેલા પણ એક પશુ રન વે પર ઘસી આવ્યું હતું, જેને એરક્રાફ્ટના લેન્ડિંગ પહેલા જ તગેડી મુકવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુરક્ષાની તપાસ કરવી પડશે કે આખરે ચૂક ક્યાં થઈ છે.