હવે ઇલેક્શનમાં ફ્લાઇંગ સ્ક્વૉડ રાખશે ઉમેદવારોના મની પાવર પર બાજનજર

05 October, 2012 05:08 AM IST  | 

હવે ઇલેક્શનમાં ફ્લાઇંગ સ્ક્વૉડ રાખશે ઉમેદવારોના મની પાવર પર બાજનજર



ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે મની પાવરના થતા ઉપયોગ પર નિયંત્રણ રાખવા માટે ચૂંટણીપંચે ખાસ ફ્લાઇંગ સ્ક્વૉડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણીના દિવસો દરમ્યાન જે કોઈ વ્યક્તિ ૨.૫૦ લાખ રૂપિયાની બિનહિસાબી રકમ સાથે ઝડપાશે તેની અટકાયત કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર ઉમેદવાર પોતાના ખર્ચની વિગતો ચૂંટણીપંચને આપતો હતો. જોકે હવે ફ્લાઇંગ સ્ક્વૉડ પોતે પણ ઉમેદવારો દ્વારા થઈ રહેલા ખર્ચ પર નજર રાખશે. અમદાવાદના કલેક્ટર અને મુખ્ય ચૂંટણી-અધિકારી વિજય નેહરાએ જણાવ્યું હતું કે ‘પહેલી વાર ગુજરાતમાં આ પ્રયોગ થઈ રહ્યો છે. ચૂંટણીમાં મસલ પાવર પર નિયંત્રણ છે, પણ મની પાવરના ઉપયોગ પર હજીયે કન્ટ્રોલની જરૂર છે. ઉમેદવારો દ્વારા નિર્ધારિત રકમ કરતાં વધારે ખર્ચ થાય નહીં એ માટે ચાંપતી નજર રાખવામાં આવશે તથા આ વિશે ઝીરો-ટૉલરન્સની નીતિ અપનાવવામાં આવશે.’

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને વધુમાં વધુ ૧૬ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની મંજૂરી છે. ગુજરાતમાં ૧૩ અને ૧૭ ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન થશે, જ્યારે ૨૦ ડિસેમ્બરે મતગણતરી થશે.